News of Friday, 4th September 2026
ડેટા સેન્ટર ક્ષેત્રે અબજો ડોલરનાંગી મસમોટા રોકાણોના હોબાળા વચ્ચે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝનો ચોંકાવનારો ખુલાસો: ભારતીય અર્થતંત્રને ધાર્યા મુજબનો મોટો આર્થિક લાભ નહીં થાય
આયાતી સાધનો પર અતિશય નિર્ભરતા, ટેકનોલોજીકલ મશીનરીની વિદેશથી ખરીદી અને મર્યાદિત રોજગારીના સર્જનને કારણે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના જીડીપીમાં માત્ર ૦.૧૩ ટકાનો જ નહિવત ઉમેરો થવાનો અંદાજ; અદાણી, ટાટા અને ગુગલ જેવા મોટા જૂથોના અબજો ડોલરના પ્રોજેક્ટ્સ છતાં રાષ્ટ્રીય વિકાસ દર પર અસર નગણ્ય રહેશે

નવી દિલ્હી: દેશભરમાં હાલમાં ડિજિટલ રિવોલ્યુશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉછાળા વચ્ચે ડેટા સેન્ટર્સ સ્થાપવાની જાણે કે એક હોડ જામી છે. સ્થાનિક અને વિદેશી મોટી આઈટી કંપનીઓ ભારતમાં અબજો ડોલરના રોકાણની મોટા ઉપાડે જાહેરાતો કરી રહી છે. જોકે, આ તમામ ભવ્ય જાહેરાતો અને રોકાણના ઘોડાપૂર વચ્ચે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી 'મૂડીઝ રેટિંગ્સ' દ્વારા જાહેર કરવામાં આવેલા એક તાજા રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. મૂડીઝના પૃથ્થકરણ મુજબ, દેશમાં થઈ રહેલા આ તોતિંગ રોકાણ છતાં, વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ડેટા સેન્ટર સેક્ટરનું પ્રદાન માત્ર ૦.૧૩ ટકા જેટલું જ અતિ આંકડાકીય રીતે મામૂલી રહેશે.
રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બાંધકામ અને નિર્માણના તબક્કા દરમિયાન ડેટા સેન્ટર પાછળ થનારો મૂડી ખર્ચ (કેપેક્સ) ૨૦૨૫ના નામના જીડીપીમાં અંદાજે ૦.૧૦ ટકાનો જ ઉમેરો કરશે. આ સિવાય આ સેન્ટરોને કાર્યરત કરવા માટે વધારાની વીજ ઉત્પાદન ક્ષમતા ઉભી કરવાના રોકાણમાંથી વધુ ૦.૦૩ ટકાનો ઉમેરો થશે. આમ, જ્યારે આ તમામ વિશાળ ડેટા સેન્ટરો પૂર્ણપણે કાર્યરત થઈ જશે, ત્યારે પણ જીડીપીમાં તેમનો કુલ ફાળો માત્ર ૦.૧૩ ટકાથી આગળ વધવાની શક્યતા નથી. ભારતીય અર્થતંત્રના વિશાળ કદની સરખામણીએ આ આંકડો અત્યંત નહિવત માનવામાં આવે છે.
આટલા વિશાળ રોકાણો છતાં આર્થિક વૃદ્ધિ પર મર્યાદિત અસર પડવા પાછળનું મુખ્ય કારણ 'હાઈ ઈમ્પોર્ટ ઈન્ટેન્સિટી' એટલે કે આયાત પર અતિશય નિર્ભરતા છે. ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે જરૂરી એવા હાઈ-એન્ડ સર્વર્સ, અદ્યતન સેમિકન્ડક્ટર્સ, સ્પેશિયલાઈઝ્ડ કૂલિંગ સિસ્ટમ્સ અને જટિલ આઈટી સાધનોનું ઉત્પાદન ભારતમાં નગણ્ય છે અને તે મોટા પાયે વિદેશથી આયાત કરવામાં આવે છે. આ સાધનોની વિદેશી ખરીદીને કારણે દેશની અંદર 'ડોમેસ્ટિક વેલ્યુ એડિશન' (સ્થાનિક મૂલ્ય વર્ધન) ખૂબ ઓછું થાય છે અને નાણાંનો મોટો હિસ્સો બહાર જતો રહે છે. વર્ષ ૨૦૨૩ પછીથી ભારત તેમજ થાઈલેન્ડ અને વિયેટનામ જેવા દેશોમાં ડેટા સેન્ટર સંબંધિત આયાતમાં ધરખમ વધારો નોંધાયો છે.
રોજગારીના ક્ષેત્રે પણ આ ક્ષેત્ર તરફથી કોઈ બહુ મોટા આશાસ્પદ એંધાણ નથી. ડેટા સેન્ટર્સ મૂડી-પ્રધાન (કેપિટલ-ઈન્ટેન્સિવ) વ્યવસાય છે, જેમાં માનવબળની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે. નિર્માણ કાર્ય દરમિયાન આ ક્ષેત્રમાં અંદાજે ૦.૦૧ ટકા અને તે પૂર્ણપણે ચાલુ થયા પછી ઉદ્યોગ ક્ષેત્રની કુલ રોજગારીના માંડ ૦.૦૨ ટકા જેટલી જ રોજગારી ઉભી થઈ શકશે. આ રોજગારી પણ માત્ર કેટલાક ચોક્કસ નિષ્ણાતો અને ટેકનિકલ ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત રહેશે.
બીજી તરફ, ઉર્જાના વપરાશ અંગે રાહત આપતા સમાચાર આપતા મૂડીઝે સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં વીજળીની ઉપલબ્ધતા આ સેક્ટર માટે કોઈ મોટો અવરોધ નહીં બને. વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની કુલ વીજ માગમાંથી ડેટા સેન્ટર્સનો હિસ્સો ૫ ટકાથી પણ ઓછો રહેશે, જેથી ભારત અન્ય નાના પ્રાદેશિક દેશોની સરખામણીએ આારાજીથી વધારાનો પાવર લોડ સહન કરી શકશે. જોકે, મુંબઈ જેવા મુખ્ય ડેટા સેન્ટર ક્લસ્ટર્સ સુધી સમયસર વીજ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કનેક્ટિવિટી પહોંચાડવી એ એક પડકાર રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં વિવિધ દેશી-વિદેશી અને સ્વતંત્ર કંપનીઓ દ્વારા ૨૫૦ અબજ ડોલર (આશરે ૨૦ લાખ કરોડ રૂપિયાથી વધુ)ના રોકાણની ઘોષણાઓ થઈ ચૂકી છે. જેમાં વિશાખાપટ્ટનમ ખાતે ગુગલ અને અદાણી સમૂહનો ૧૫ અબજ ડોલરનો ૧-ગીગાવાટ ક્ષમતાનો પ્રોજેક્ટ તથા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો ૭ અબજ ડોલરનો 'હાઈપરવોલ્ટ' પ્રોજેક્ટ પ્રમુખ છે. આટલા મોટા રોકાણોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ભારતીય ડેટા સેન્ટરનો ઉપયોગ કરતી વિદેશી ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ૨૦૪૭ સુધી ટેક્સ હોલિડેની પણ જાહેરાત કરી છે.
આ સંજોગોમાં મૂડીઝનું માનવું છે કે, આ રોકાણો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોવા છતાં દેશના સમગ્ર આર્થિક વિકાસના માળખાને બદલવા માટે પૂરતા નથી. લાંબા ગાળે તેનો લાભ ત્યારે જ મળશે જ્યારે દેશમાં જ તેના સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન શરૂ થાય, વ્યાપક સ્તરે ક્લાઉડ ટેકનોલોજી અપનાવવામાં આવે અને ડિજિટલ સેવાઓની નિકાસમાં મોટી સફળતા મળે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
