News of Tuesday, 27th October 2026
કાવ્યા મારન અને અનિરુદ્ધના શાહી વેડિંગ રિસેપ્શન કાર્ડની ઝલક વાયરલ: આકર્ષક ડિઝાઈને ખેંચ્યું સૌનું ધ્યાન
ક્રિકેટ અને સંગીત જગતની ચર્ચિત જોડીના આગામી ૨૨ નવેમ્બરે ચેન્નઈમાં યોજાનારા ભવ્ય રિસેપ્શનના ખાસ આમંત્રણપત્રની સુંદર કારીગરી સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે.

ચેન્નઈ, તા.27: આઈપીએલની પ્રખ્યાત ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલી અતિ લોકપ્રિય ઉદ્યોગપતિ કાવ્યા મારન અને પ્રખ્યાત સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે તેમના ભવ્ય વેડિંગ રિસેપ્શનના શાહી આમંત્રણપત્રની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ શાહી કાર્ડની આકર્ષક ડિઝાઇન અને બારીક નકશીકામે દેશભરના લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે, જેમાં ડિઝાઇનર રંજની અયંગર દ્વારા તેને એક કલેક્શન બોક્સના સ્વરૂપમાં અદભુત રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્ન બાદ આગામી ૨૨ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ ચેન્નઈ ખાતે એક અત્યંત ભવ્ય અને હાઇ-પ્રોફાઇલ રિસેપ્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગ માટે મારન પરિવાર દ્વારા દેશના દિગ્ગજ રાજકીય નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને ફિલ્મી દુનિયાની નામાંકિત હસ્તીઓને વ્યક્તિગત રીતે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જે આ સમગ્ર આયોજનને વધુ ખાસ બનાવે છે.
આ શાહી આમંત્રણ પત્રકને સામાન્ય કાગળના કાર્ડને બદલે એક સુંદર વિન્ટેજ શૈલીના બોક્સ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે, જેના પર એમ્બોસ્ડ સ્ટેશનરી અને આકર્ષક સીલ લગાવવામાં આવી છે. ડિઝાઇનરે સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કરીને આ કપલ માટેનો અનુભવ યાદગાર ગણાવ્યો છે. રિસેપ્શન કાર્ડની આ નવતર અને શાહી શૈલી જોઈને મહેમાનો પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે.
આ હાઇ-પ્રોફાઇલ સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમિલનાડુના મુખ્યપ્રધાન સી. જોસેફ વિજય, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તેમજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંત સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર અંતિમ યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મહેમાનોની યાદી જોઈને આ કાર્યક્રમ અત્યંત ભવ્ય રહેવાનો અંદાજ લગાવી શકાય છે.
કાવ્યા મારન સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે અને ક્રિકેટ જગતમાં જાણીતો ચહેરો છે, જ્યારે અનિરુદ્ધ રવિચંદર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર મ્યુઝિક કમ્પોઝર છે. આ બંનેની જોડીને લઈને ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમના આ લગ્ન તેમજ રિસેપ્શનની ચર્ચાઓ મનોરંજન અને ખેલ જગતમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
આગામી દિવસોમાં યોજાનારા આ ભવ્ય સમારોહમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ વહીવટી સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ શાહી રિસેપ્શન કાર્ડ વાયરલ થવાથી આ કપલના લગ્નની ઉત્સુકતા ચાહકોમાં વધુ બે ગણી વધી ગઈ છે અને સૌ કોઈ આ ભવ્ય પળોની રાહ જોઈને બેઠા છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
