તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Friday, 5th June 2026
ગર્લફ્રેન્ડે iPhone માંગ્યો... બોયફ્રેન્ડે ગોદામમાં ઘૂસીને ૧૧ લાખનો સામાન ચોરી લીધો
નાગપુરમાં ચોરીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ન કોઈ હાઇટેક ગેંગ સામેલ હતી કે ન કોઈ ફિલ્મી સ્ટાઈલ પ્લાન...

નાગપુર,તા.૫: નાગપુરમાં ચોરીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ન કોઈ હાઇટેક ગેંગ સામેલ હતી કે ન કોઈ ફિલ્મી સ્ટાઈલ પ્લાન... પરંતુ કારણ એટલું ચોંકાવનારું હતું કે પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. આ ઘટના કલામના વિસ્તારમાં બની હતી, જ્યાં એક વેરહાઉસમાંથી આશરે રૂ.૧૧.૩૯ લાખનો માલ ચોરાઈ ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીની ગર્લફ્રેન્ડે તેની પાસે iPhoneની માંગ કરી હતી. ગર્લફ્રેન્ડને iPhone ભેટમાં આપવા માટે યુવકે વેરહાઉસમાં ઘૂસીને લાખો રૂપિયાનો માલ ચોરી લીધો હતો. આ મામલે પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમાંથી બે સગીર છે.
આ ઘટના ૨૭ અને ૨૮ મેની મધરાતે બની હતી. નાગપુરના કલમના વિસ્તારમાં આવેલા એક મોટા વેરહાઉસમાં ટાઇલ્સ, સેનિટરી વેર અને CP ફિટિગ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો. રાત્રિના સમયે ચોરોએ વેરહાઉસને નિશાન બનાવ્યું હતું.
આરોપીઓએ વેરહાઉસના બીજા માળે આવેલી ટીનશીટ તોડી અંદર પ્રવેશ કર્યો અને નળ, ફિટિગ્સ સહિતની કિમતી વસ્તુઓ ચોરી લીધી હતી. બીજા દિવસે સવારે વેરહાઉસના માલિક રાહુલ જયચંદ બ્રહ્મા ત્યાં પહોંચ્યા ત્યારે ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારબાદ તેમણે તરત જ કલમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કેસની ગંભીરતાથી તપાસ શરૂ કરી અને આસપાસના વિસ્તારમાં લાગેલા ૨૫થી વધુ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. લાંબી તપાસ બાદ કેટલાક શંકાસ્પદોની હિલચાલ જોવા મળી અને અંતે પોલીસે ત્રણ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઇરફાન અલી ઉર્ફે ઇમ્મુ રમઝાન અલી તથા બે સગીરોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં પોલીસે ચોરી પાછળનું કારણ જાણીને આヘર્ય વ્યક્ત કર્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે એક સગીરની ગર્લફ્રેન્ડે તેની પાસે iPhone માંગ્યો હતો. તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી તેણે પોતાના સાથીદારો સાથે મળીને વેરહાઉસમાં ચોરી કરવાની યોજના બનાવી હતી. ચોરાયેલો માલ વેચીને iPhone ખરીદવાનો તેમનો ઇરાદો હતો.
યોજનાના ભાગરૂપે ત્રણેયે વિસ્તારની રેકી કરી અને તક મળતાં જ વેરહાઉસમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે, તેઓ લાંબા સમય સુધી પોલીસથી બચી શક્યા નહીં. CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
કલમના પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સંતોષકુમાર રામલોડેએ જણાવ્યું કે, ટેકનિકલ પુરાવા અને સ્થાનિક માહિતીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેમણે ગુનો કબૂલ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. બે સગીરો સામે કિશોર ન્યાય કાયદા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે પુખ્ત આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
