News of Saturday, 16th May 2026
પૈસા માટે પતિ સાથે મળી પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી નાળામાં ફેંકી દીધો
મેરઠને ટક્કર મારે તેવી થાણેની લીલા ડ્રમવાળી કહાની : હત્યા બાદ લાશને એક મોટા લીલા રંગના ડ્રમમાં ભરી નાળામાં ફેંકી દીધી જો કે મોબાઈલે તેની પ્રેમિકાની કરતૂત ઉજાગર કરી દીધી

થાણે તા.૧૬: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેણે મેરઠના ચર્ચિત બ્લૂ ડ્રમ મર્ડર કેસની યાદ તાજી કરાવી દીધી. અહીં એક મહિલાએ પોતાના પતિ, ભાઈ અને તેના દોસ્તો સાથે મળી પોતાના જ પ્રેમીની હત્યા કરી દીધી. હત્યા બાદ લાશને એક મોટા લીલા રંગના ડ્રમમાં ભરી નાળામાં ફેંકી દીધી. જો કે મોબાઈલે તેની પ્રેમિકાની કરતૂત ઉજાગર કરી દીધી.
આ મામલો ૩ એપ્રિલનો હોવાનું કહેવાય છે. થાણેના મુંબ્રા વિસ્તારમાં રહેતા અરબાઝ મકસૂદ અલી ખાન ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે તે કામ માટે દાદર જઈ રહ્યો છે. પણ મોડી રાત સુધી પાછો ન આવ્યો. પરિવારને ચિતા થવા લાગી. ભારે શોધખોળ કર્યા બાદ પણ અરબાઝનો કોઈ પત્તો ન મળ્યો. ત્યાર બાદ તેના પિતાએ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
પોલીસે તપાસ શરુ કરી તો અરબાઝની કોલ રેકોર્ડ અને મોબાઈલ લોકેશન ખંગાળી. તપાસમાં જાણવા મળ્યું કે તેનું છેલ્લું લોકેશન વસઈ વિસ્તારમાં હતું. આ દરમ્યાન પોલીસને એવું જાણવા મળ્યું કે અરબાઝની કથિત ગર્લફ્રેન્ડ મહઝબીન શેખનો મોબાઈલ એ જ વિસ્તારમાં એક્ટિવ હતો. શંકા જતા પોલીસે મહઝબીનની ધરપકડ કરી પૂછપરછ શરુ કરી.
શરુઆતમાં મહઝબીન પોલીસને ગુમરાહ કરતી રહી, પણ કડકાઈથી પૂછપરછ કરતા તેણે સત્ય ઓકી દીધું. પોલીસના જણાવ્યા અનુસાર, મહઝબીને પોતાના પતિ હસન, ભાઈ તારિક શેખ અને તેના મિત્ર સાથે મળીને અરબાઝની હત્યાનું કાવતરું રચ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓનો ઉદ્દેશ્ય અરબાઝ પાસેથી પૈસા પડાવવાનો હતો. પોલીસને જણાવ્યા અનુસાર, આરોપીઓએ પહેલા અરબાઝને પોતાની જાળમાં ફસાવ્યો હતો.
જ્યારે તેમને મોં માગ્યા રૂપિયા ન મળ્યા તો તેમણે અરબાઝના હાથ બાંધી દીધા અને પ્લાસ્ટિકના પાઈપથી ફટકાર્યો. ત્યાર બાદ તેની હત્યા કરી દીધી. હત્યા બાદ આરોપીઓએ લાશને એક લીલા રંગના ડ્રમમાં ભરી દીધો અને મુંબ્રા વિસ્તારના એક નાળામાં ફેંકી દીધો. જેથી કોઈને શંકા ન જાય. જો કે પોલીસે ટેકનિકલ તપાસ અને મોબાઈલ લોકેશનથી ભાંડો ફોડી નાખ્યો.
પોલીસે આ કેસમાં મહઝબીન શેખ અને તેના ભાઈ તારિક શેખની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે તારિક પર પહેલાથી જ કેટલાય ગુનાહિત કેસો નોંધાયેલા છે. વળી મહઝબીનનો પતિ હસન અને તેનો સાથી હજુ પણ ફરાર છે. જેમને પોલીસ શોધી રહી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યા, ગુનાહિત કાવતરું અને પૂરાવાનો નાશ કરવા જેવી ગંભીર કલમો લગાવી કેસ નોંધી લીધો છે
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
