<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ગાઝિયાબાદ પોલીસ અને લૂંટારુઓ વચ્ચે ‘ઠાય-ઠાય’ : મુઠભેડ બાદ બે ખતરનાક ગુનેગારોની ધરપકડ કરવામાં સફળતા

પોલીસ પર ફાયરિંગ કરી ભાગવાની કોશિશમાં આરોપી રાહુલના પગમાં ગોળી વાગી : લૂંટના ૧૦ મોબાઈલ અને ગેરકાયદે હથિયારો સાથે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે ફિલ્મી ઢબે અથડામણ થઈ હોવાના સમાચાર છે. શુક્રવારે રાત્રે જ્યારે પોલીસ રંગનહર પાસે ચેકિંગ કરી રહી હતી, ત્યારે બાઈક પર સવાર બે શંકાસ્પદ વ્યક્તિઓએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરતા બદમાશોની બાઈક સ્લિપ થઈ ગઈ હતી અને તેમણે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળી ચલાવતા એક આરોપીના પગમાં ગોળી વાગી હતી અને પોલીસે બંનેને દબોચી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાહુલ અને વિનયનો સમાવેશ થાય છે. રાહુલ એક કુખ્યાત ગુનેગાર છે અને તેના પર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં લૂંટ, ચોરી અને સ્નેચિંગના અંદાજે ૧૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અથડામણ દરમિયાન રાહુલે પોલીસ પર તમંચાથી ગોળી ચલાવી હતી, જેના જવાબમાં પોલીસે આત્મરક્ષણ માટે ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી વાગવાથી ઘાયલ થયેલા રાહુલને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બદમાશો પાસેથી પોલીસને ચોરીના ૧૦ મોબાઈલ ફોન, એક ચોરીની મોટરસાઈકલ, એક તમંચો, જીવતા કારતૂસ અને એક છરી મળી આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ગેંગ લાંબા સમયથી એનસીઆર વિસ્તારમાં સક્રિય હતી અને રાહદારીઓ પાસેથી મોબાઈલ તેમજ વાહનોની લૂંટ કરતી હતી. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યો અને તેમના નેટવર્ક વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે. વિનય નામનો બીજો આરોપી બાઈક ચલાવતો હતો અને લૂંટમાં રાહુલને મદદ કરતો હતો.
ગાઝિયાબાદ પોલીસની આ કામગીરીને પગલે વિસ્તારમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે નોઈડા અને ગાઝિયાબાદમાં છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાજ્ય વાહન ચોર ગેંગ વિરુદ્ધ પોલીસે અભિયાન છેડ્યું છે. પોલીસ અધિકારી સંજીવ વર્માએ જણાવ્યું કે નાગરિકોની સુરક્ષા માટે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. પકડાયેલા બદમાશો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમને જેલના હવાલે કરવામાં આવ્યા છે.

(5:51 PM IST)