News of Monday, 11th May 2026
ન્યુઝીલેન્ડમાં નાગરિકતા મેળવવી હવે અઘરી બનશે: ૨૦૨૭થી અમલી બનશે કડક પરીક્ષા, સ્થળાંતર કરનારાઓમાં વહેલી અરજી કરવા માટે ભારે દોડધામ!
મતદાનના અધિકારથી લઈને સરકારી માળખા સુધીના ૨૦ સવાલોના આપવા પડશે જવાબ; ફી વધારા અને ભાષાના અવરોધના ડરથી ભારતીયો સહિતના પ્રવાસીઓમાં ચિંતાનો માહોલ

ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડ સરકારે નાગરિકતા મેળવવાના નિયમોમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જેને પગલે ત્યાં વસતા સ્થળાંતર કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષ ૨૦૨૭ના અંતથી હવે ન્યુઝીલેન્ડની નાગરિકતા મેળવવા માટે માત્ર અરજી કરવી પૂરતી નહીં હોય, પરંતુ અરજદારોએ એક ફરજિયાત નાગરિકતા પરીક્ષા (Citizenship Test) પાસ કરવી પડશે. આ જાહેરાતને કારણે જેઓ નાગરિકતા માટે પાત્ર છે તેઓ નવા નિયમો લાગુ થાય તે પહેલાં વહેલી તકે અરજી કરવા માટે પડાપડી કરી રહ્યા છે.
પરીક્ષાનું માળખું અને પાસ થવાના ધોરણો
નવી સિસ્ટમ હેઠળ, અરજદારોએ ન્યુઝીલેન્ડના નાગરિક અધિકારો, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય જવાબદારીઓ પર આધારિત ૨૦ પ્રશ્નોની બહુવિધ-પસંદગીની (Multiple-choice) પરીક્ષા આપવી પડશે.
• ભાષા: આ પરીક્ષા સંપૂર્ણપણે અંગ્રેજીમાં હશે.
• પાસિંગ માર્કસ: ૨૦માંથી ઓછામાં ઓછા ૧૫ પ્રશ્નો (૭૫%) ના સાચા જવાબ આપવા ફરજિયાત રહેશે.
• વિષયો: બિલ ઓફ રાઈટ્સ, માનવ અધિકાર, મતદાનના અધિકાર, સરકારનું માળખું, ફોજદારી ગુનાઓ અને પાસપોર્ટના નિયમો જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે.
સ્થળાંતર કરનારાઓમાં વિરોધનો સૂર
ઘણા કાયમી રહેવાસીઓ, ખાસ કરીને ભારતીય સમુદાયના લોકોએ આ ફેરફાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ૧૦ વર્ષથી ન્યુઝીલેન્ડમાં વસતા અંકિત સિક્કા નામના ભારતીય યુવાને જણાવ્યું કે, "આ ફક્ત એક વધારાની અસુવિધા છે. પરીક્ષા પાસ કરવાથી કોઈ જવાબદાર નાગરિક બનશે તે સાબિત થતું નથી, લોકો ફક્ત વસ્તુઓ યાદ રાખીને પરીક્ષા પાસ કરી લેશે." અન્ય લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે જે શરણાર્થીઓ છે અથવા જેમને અંગ્રેજી બોલવામાં તકલીફ છે, તેમના માટે આ પરીક્ષા મોટો અવરોધ બની શકે છે.
કોને મળશે મુક્તિ?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પરીક્ષા દરેક માટે ફરજિયાત નથી. ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલો અને ગંભીર તબીબી સ્થિતિ ધરાવતા લોકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. જેઓ પરીક્ષામાં નાપાસ થશે તેમને ફરીથી પરીક્ષા આપવાની ૬ તકો મળશે, પરંતુ દરેક વખતે વધારાની ફી ચૂકવવી પડશે.
કેમ લેવાયો આ નિર્ણય?
હાલમાં, ન્યુઝીલેન્ડમાં નાગરિકતા મેળવવા માટે અરજદારોએ ફક્ત એક ઘોષણાપત્ર પર સહી કરવાની હોય છે. સરકારનું માનવું છે કે નવી પરીક્ષા દ્વારા નવા નાગરિકો દેશના મૂલ્યો અને પોતાની જવાબદારીઓ વિશે વધુ જાગૃત બનશે. આંતરિક બાબતોનો વિભાગ ટૂંક સમયમાં જ આ માટેની સત્તાવાર અભ્યાસ સામગ્રી પણ બહાર પાડશે. જો કે, અત્યારે તો સ્થળાંતર કરનારાઓ '૨૦૨૭' પહેલા નાગરિક બની જવા માટે વકીલો અને ઇમિગ્રેશન એજન્ટોની ઓફિસે આંટા ફેરા વધારી રહ્યા છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
