News of Wednesday, 8th July 2026
સમુદ્રી વેપાર માર્ગો પર ભૂરાજનીતિ ગરમાઈ: હોર્મુઝ સંકટ વચ્ચે મલક્કાની સામુદ્રધુનીને ખુલ્લી અને ટેક્સ-ફ્રી રાખવા સિંગાપોર-ઇન્ડોનેશિયાની મોટી જાહેરાત
ઇરાન-ઓમાન દ્વારા જહાજો પર વહીવટી ચાર્જ વસૂલવાની હિલચાલથી વૈશ્વિક બજાર ચિંતિત; વિશ્વના ૨૯% તેલ પરિવહનનો આધાર ગણાતા જળમાર્ગો પર UNCLOS ના કાયદા લાગુ કરવા પર ભાર

સિંગાપોર, તા.૦૮: વૈશ્વિક શિપિંગ અને ઉર્જા બજારોમાં વધી રહેલા ભૂરાજકીય તણાવની વચ્ચે એશિયાના બે પ્રમુખ દેશો સિંગાપોર અને ઇન્ડોનેશિયાએ આંતરરાષ્ટ્રીય વેપાર જગતને મોટી ખાતરી આપી છે. બંને દેશોએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે વિશ્વનો સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ગણાતી 'મલક્કાની સામુદ્રધુની' (Strait of Malacca) ભવિષ્યમાં પણ તમામ દેશોના વ્યાપારી જહાજો માટે સંપૂર્ણપણે ખુલ્લી, સુરક્ષિત અને કોઈપણ પ્રકારના પરિવહન શુલ્ક (ટોલ ટેક્સ) વગરની રહેશે. પશ્ચિમ એશિયામાં હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નવી અસ્થિરતાને પગલે વૈશ્વિક વેપાર માર્ગો બ્લોક થવાની આશંકાઓ વચ્ચે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
વાસ્તવમાં, મધ્ય પૂર્વમાં ઇરાન અને ઓમાન વચ્ચેથી પસાર થતી હોર્મુઝની સામુદ્રધુનીના ભવિષ્યના વહીવટને લઈને તેલ બજારોમાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અહેવાલો અનુસાર, ઇરાન અને ઓમાન પોતાના જળક્ષેત્રમાંથી પસાર થતા જહાજો પર નવો વહીવટી ચાર્જ વસૂલવા માટેના કાનૂની માળખા પર વિચાર કરી રહ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને વિશ્લેષકોમાં ચિંતા જાગી હતી કે જો હોર્મુઝમાં ટેક્સ લાગશે, તો ભવિષ્યમાં અન્ય દેશો પણ પોતાના ભૌગોલિક લાભનો ઉપયોગ કરીને મલક્કા કે તાઇવાન જેવા વ્યૂહાત્મક જળમાર્ગો પર આવા એકપક્ષીય ચાર્જ લાદી શકે છે. આ આશંકાઓને ડામવા માટે જ સિંગાપોર અને ઇન્ડોનેશિયાએ તાકીદે વૈશ્વિક સમુદાયને આશ્વાસન આપ્યું છે.
વૈશ્વિક પુરવઠા શૃંખલાની મુખ્ય ધમની
મલાક્કાની સામુદ્રધુની વૈશ્વિક અર્થતંત્રમાં અજોડ સ્થાન ધરાવે છે. ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને સિંગાપોર વચ્ચે આશરે ૯૦૦ કિલોમીટર સુધી ફેલાયેલો આ સાંકડો જળમાર્ગ પૂર્વ એશિયાને (ખાસ કરીને ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા) મધ્ય પૂર્વ અને યુરોપ સાથે જોડતો સૌથી ટૂંકો દરિયાઈ કોરિડોર પૂરો પાડે છે. 'યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન'ના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫ ના પ્રથમ ભાગમાં વૈશ્વિક સ્તરે સમુદ્ર માર્ગે વહન થતા કુલ ક્રૂડ તેલના પ્રવાહમાંથી લગભગ ૨૯ ટકા હિસ્સો એકલી આ સામુદ્રધુનીમાંથી પસાર થયો હતો. ઊર્જા ઉપરાંત, એશિયા અને યુરોપ વચ્ચે કાચો માલ, અનાજ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લઈ જતા હજારો કન્ટેનર જહાજો માટે આ માર્ગ મુખ્ય ધમની સમાન છે. આ માર્ગમાં નાનો વિક્ષેપ પણ વૈશ્વિક સ્તરે નૂર ભાડાં (ફ્રેટ ચાર્જ), વીમા પ્રીમિયમ અને ડિલિવરી સમયમાં તોતિંગ વધારો કરી શકે છે, જે આયાતકાર દેશોમાં નવી મોંઘવારી લાવી શકે છે.
કાનૂની અવરોધ અને આવકના વૈકલ્પિક સ્ત્રોત
દરિયાઈ કાયદાના નિષ્ણાતોના મતે, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) ના આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈપણ દેશ વૈશ્વિક નેવિગેશન માટે વપરાતી આંતરરાષ્ટ્રીય સામુદ્રધુનીઓ પર એકપક્ષીય રીતે પરિવહન ટોલ ટેક્સ લાદી શકતો નથી. અગાઉ ઇન્ડોનેશિયાએ આ માર્ગ પર ચાર્જ વસૂલવાનો વિચાર રજૂ કર્યો હતો પરંતુ કાનૂની ગૂંચવણોને કારણે તે તાત્કાલિક પડતો મૂકાયો હતો. નિષ્ણાતો સૂચવે છે કે દરિયાકાંઠાના દેશો ટેક્સ લાદવાને બદલે જહાજોને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંકરિંગ (ઇંધણ ભરવાની) સુવિધાઓ, જહાજ સમારકામ સેવાઓ અને લોજિસ્ટિક્સ હબ જેવી વ્યવસાયિક સેવાઓ આપીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યા વિના પણ મોટી આર્થિક કમાણી કરી શકે છે. હાલ પૂરતી આ જાહેરાતે વૈશ્વિક બજારોની ચિંતા હળવી કરી છે, પરંતુ બદલાતા ભૌગોલિક પરિદ્રશ્યમાં દરિયાઈ ચોક પોઇન્ટ્સ હવે માત્ર શિપિંગ લેન નથી રહ્યા, પણ આર્થિક સુરક્ષાના મોટા હથિયાર બની ગયા છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
