News of Saturday, 15th August 2026
આરજી કર કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ TMC ધારાસભ્ય નિર્મલ ઘોષ પર જનઆક્રોશ: પોલીસ સ્ટેશન બહાર ઇંડા-જૂતા ફેંકાયા : 'ચોર ચોર'ના નારાથી પરિસર ગૂંજ્યું!
ઓડિશાથી પકડાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાને માથા પર હેલ્મેટ પહેરાવી બેરેકપોર કોર્ટમાં લઈ જવાતી વખતે ટોળાએ સુરક્ષા ઘેરો તોડી હુમલો કર્યો : પીડિતાના ઉતાવળા અગ્નિસંસ્કાર અને પુરાવા નાશ કરવાનો ગંભીર આરોપ

કોલકતા : કોલકાતાના ચર્ચિત આરજી કર હોસ્પિટલ બળાત્કાર અને હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવાના આરોપસર ઓડિશાથી ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષ પર જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ખારદાહ પોલીસ સ્ટેશન બહાર જ્યારે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો તેમને જેલ વાનમાં કોર્ટ લઈ જઈ રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ કડક સુરક્ષા વ્યવસ્થાને ભેદીને નિર્મલ ઘોષ પર જૂતા, ચંપલ, ઇંડા અને માટી ફેંકીને હુમલો કર્યો હતો. સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પોલીસે હુમલાઓથી બચાવવા માટે નિર્મલ ઘોષના માથા પર હેલ્મેટ પહેરાવવું પડ્યું હતું.
આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા ક્રૂર ગુના બાદ પીડિતાના શબના "ઉતાવળમાં અગ્નિસંસ્કાર" કરાવીને પુરાવા નષ્ટ કરવાના અને ગુનાહિત કાવતરું રચવાના ગંભીર આરોપ હેઠળ નિર્મલ ઘોષની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી નવી ફરિયાદના આધારે બેરેકપોર પોલીસ કમિશનરેટે આ કાર્યવાહી કરી છે. ખારદાહ પોલીસ સ્ટેશનથી લઈને બેરેકપોર સબ-ડિવિઝનલ કોર્ટ સુધી પહોંચતા સુધી લોકચળવળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં લોકોએ "ચોર, ચોર" ના જોરદાર નારા લગાવીને પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
આ કેસમાં માત્ર નિર્મલ ઘોષ જ નહીં, પરંતુ મહિલા ડૉક્ટરના પાડોશી અને પૂર્વ તૃણમૂલ કાઉન્સિલર સંજીવ મુખર્જીને પણ કોર્ટમાં પેશ કરતી વખતે જનતાના ભારે વિરોધ અને આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ, પાનિહાટી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ડે હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. કડક પોલીસ બંદોબસ્ત અને માથા પર હેલ્મેટ હોવા છતાં વિરોધીઓએ TMC નેતાઓ સામે અપશબ્દો બોલીને ઇંડા અને ચંપલનો મારો ચલાવ્યો હતો, જે દર્શાવે છે કે આ સંવેદનશીલ કેસમાં જનતાનો આક્રોશ હજુ પણ ચરમસીમા પર છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
