News of Wednesday, 7th October 2026
અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું અવસાન
કોંગ્રેસ પરિવારમાં શોકનો માહોલ, ઠુંમર પરિવારે ગુમાવ્યો વડલો : અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં શોક : અમરેલીમાં સાંજે પ.૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે

રાજકોટ, તા.,૭ : અમરેલી જિલ્લાના રાજકારણમાં મોટો આઘાત લાગ્યો છે. અમરેલીના પૂર્વ સાંસદ, લાઠી-બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજીભાઈ ઠુંમરનું અવસાન થયું છે. આજે બપોરે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ યાત્રા આજે સાંજે પ.૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નિકળીને મુકિતધામ જશે.
પ્રાપ્ત વિગત મુજબ વિરજીભાઈ ઠુંમર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના અવસાનના સમાચારથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સહિત સમગ્ર રાજકીય આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વિરજીભાઈ ઠુંમર અમરેલી જિલ્લાના સૌથી કદાવર પાટીદાર નેતાઓમાંના એક ગણાતા હતા.
તેઓ ૨૦૦૪માં અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા હતા, તેઓ લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા અને વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો.
કોંગ્રેસ પક્ષમાં તેઓ અમરેલી જિલ્લાના સૌથી વફાદાર અને મજબૂત સ્તંભ ગણાતા હતા. તેમના પરિવારમાંથી પત્ની નીલાબેન ઠુંમર છે. અને પુત્રી જેનીબેન ઠુંમર પણ અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકયા છે.
તેમના અવસાનથી અમરેલી જિલ્લાએ એક અનુભવી અને લોકપ્રિય નેતા ગુમાવ્યા છે. (૪.૧૩)
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
