<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

વિદેશીઓ સાવધાન! ભારતમાં રોકાવાના નિયમો બદલાયાઃ હવે વિઝા પૂરા થતા પહેલા જ કરાવવું પડશે રજીસ્‍ટ્રેશન

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત કરવા અને સમગ્ર ઇમિગ્રેશન પ્રક્રિયાને ઓનલાઈન કરવા માટે નિયમોમાં કર્યો મોટો ફેરફાર

નવી દિલ્‍હી, તા.૨: ભારતમાં ટૂંકા ગાળાના વિઝા પર આવતા વિદેશી નાગરિકો માટે કેન્‍દ્રીય ગળહ મંત્રાલયે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો, ૨૦૨૫ માં સરકારે એક મોટો ઝટકો આપતો સુધારો કર્યો છે, જેના અંતર્ગત હવે વિદેશીઓ પરની નજર વધુ કડક બનશે. અગાઉ વિઝાની મુદત પૂરી થયા પછી જે કાયદાકીય રાહત મળતી હતી, તે સુવિધા હવે સરકારે સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે.

નવા નિયમો અનુસાર, જો કોઈ વિદેશી નાગરિક ૧૮૦ દિવસ કે તેથી ઓછા સમયના વિઝા પર ભારત આવ્‍યો હોય અને તેણે પોતાનું રોકાણ લંબાવવું હોય, તો તેણે વિઝા પૂરા થાય તે પહેલાં જ ફરજિયાતપણે સત્તાવાર નોંધણી કરાવવી પડશે. જૂના નિયમ પ્રમાણે વિઝાની અવધિ પૂરી થયા પછી પણ ૧૪ દિવસની અંદર નોંધણી કરાવવાની છૂટ મળતી હતી, જે સુવિધા નવો કાયદો આવતા જ તાત્‍કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. હવે વિલંબિત નોંધણી માત્ર કટોકટીની સ્‍થિતિમાં જ ગ્રાહ્ય રાખવામાં આવશે.

આ ઉપરાંત, વિદેશી નાગરિકતા મેળવતા બાળકો અને અપીલ પ્રક્રિયા માટે પણ મહત્‍વના ફેરફારો કરાયા છે. જો ભારતમાં રહેતું કોઈ બાળક બીજા દેશની નાગરિકતા મેળવે છે, તો માતાપિતાએ ૩૦ દિવસની અંદર નોંધણી અધિકારીને ફરજિયાત જાણ કરવાની રહેશે. વહીવટી પારદર્શિતા વધારવા માટે સરકારે સમગ્ર અપીલ પ્રક્રિયાને પણ ડિજિટલ કરીને સંપૂર્ણપણે ઓનલાઈન ફોર્મેટમાં ફેરવી દીધી છે, જેથી દેશની આંતરિક સુરક્ષા વધુ મજબૂત કરી શકાય.

(3:40 PM IST)