<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

આસામમાં પૂરનું રૌદ્ર સ્વરૂપ: હજારો લોકો આકાશી આફતમાં ફસાયા, સેનાએ જીવ બચાવવા શરૂ કર્યું મહાઅભિયાન 'ઓપરેશન જલ રાહત'!

બ્રહ્મપુત્રા સહિતની નદીઓ ભયજનક સપાટીથી ઉપર; સેનાના હેલિકોપ્ટર્સ, NDRF અને SDRF ની ટીમો પૂરજોશમાં બચાવ કાર્યમાં તૈનાત, ૨૯૮ ગામડાઓ જળમગ્ન

ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્ય આસામમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સતત અને અતિભારે વરસાદને કારણે ઉપલા આસામના અનેક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી પૂરની સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. આ જળપ્રલયની વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા હજારો નાગરિકોની વ્હારે હવે ભારતીય સેના (Indian Army) આવી પહોંચી છે. સેનાએ આસામ સરકારને યુદ્ધના ધોરણે મદદ કરવા અને પૂરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે એક મોટું બચાવ અભિયાન 'ઓપરેશન જલ રાહત' શરૂ કર્યું છે.

ભયજનક સપાટી વટાવી નદીઓએ મચાવી તબાહી

રાજ્યમાં અવિરત પડી રહેલા વરસાદને કારણે ઉપલા આસામની મુખ્ય નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે ખાસ કરીને શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં ફસાયેલા માસૂમ લોકો અને પશુધનને બહાર કાઢવા માટે ભારતીય સેનાની ટુકડીઓ સાથે 'રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ' (NDRF) અને 'રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ' (SDRF) ના જવાનો અદ્યતન સાધનો સાથે ખભેખભા મિલાવીને કામે લાગ્યા છે.

મંત્રી બિમલ બોરાહે લીધી મુલાકાત: યુદ્ધના ધોરણે બચાવ કાર્ય

આસામ સરકારના કેબિનેટ મંત્રી બિમલ બોરાહે આજે પૂરગ્રસ્ત શિવસાગર અને ચરાઈદેવ જિલ્લાની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે બંને જિલ્લાના ડેપ્યુટી કમિશનરો (DC) સાથે હાઈ-લેવલ બેઠક યોજીને રાહત સામગ્રીની વહેંચણી અને બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. મંત્રીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, એકલા શિવસાગર જિલ્લામાંથી જ અત્યાર સુધીમાં ૫૧૦ લોકોને પ્રચંડ પૂરમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. દુર્ગમ અને ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં એરલિફ્ટ કરવા માટે સેનાના ખાસ હેલિકોપ્ટર્સ અને વધારાની સ્પીડ-બોટ્સ મેદાનમાં ઉતારવામાં આવી છે.

૫૭ હજારથી વધુ લોકો પ્રભાવિત, હજારો હેક્ટર પાક બરબાદ

આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) ના સત્તાવાર આંકડાઓ અનુસાર, આ આકાશી આફતથી અત્યાર સુધીમાં રાજ્યના ૮ મુખ્ય જિલ્લાઓ – ધેમાજી, દિબ્રુગઢ, ચરાઈદેવ, તિનસુકિયા, લખીમપુર, શિવસાગર, ઉદલગુરી અને જોરહાટ ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, ૨૨ મહેસૂલ વર્તુળો (રેવન્યુ સર્કલ) ના ૨૯૮ ગામડાઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે, જેના કારણે ૫૭,૦૦૦ થી વધુ લોકો બેઘર બન્યા છે અથવા પૂરની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત, ખેડૂતોની ૩,૮૭૪ હેક્ટર કરતાં પણ વધુ પાકની ફળદ્રુપ જમીન પાણીમાં ડૂબી જતાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

 

(5:52 PM IST)