News of Tuesday, 15th September 2026
તહેવારોની મોસમમાં ફ્લિપકાર્ટનો મોટો ધમાકો: ભારતમાં ૨.૫ લાખ નવી નોકરીઓનું સર્જન, ૧.૪ લાખ લાસ્ટ-માઇલ ડિલિવરી રોલ ઉમેરાયા!
'બિગ બિલિયન ડેઝ' સેલને પહોંચી વળવા વોલમાર્ટ સંચાલિત કંપનીનું સપ્લાય ચેઇન નેટવર્ક મજબૂત; પ્રથમ વખત નોકરી શોધતા ૭૫,૦૦૦થી વધુ યુવાનોને મળશે રોજગારીની મોટી તક

બેંગલુરુ : આગામી તહેવારોની મોસમ અને ઈ-કોમર્સ ક્ષેત્રના સૌથી મોટા 'બિગ બિલિયન ડેઝ' સેલને ધ્યાનમાં રાખીને ફ્લિપકાર્ટે એક અભૂતપૂર્વ અને મોટો નિર્ણય લીધો છે. વોલમાર્ટની માલિકી ધરાવતી દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે સમગ્ર ભારતમાં પોતાની કામગીરીનું વ્યાપક વિસ્તરણ કરીને ૨.૫ લાખ (૨૫૦,૦૦૦) થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની નવી તકો ઉભી કરવાની મોટી જાહેરાત કરી છે. કંપનીના આ પગલાથી તહેવારો દરમિયાન દેશના લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ ક્ષેત્રને મોટો વેગ મળશે.
આ નવી ભરતીઓમાં ખાસ કરીને ગિગ કામદારો (Gig Workers) નો સમાવેશ થાય છે અને સમગ્ર દેશમાં કંપનીના સપ્લાય ચેઇન નેટવર્કને વધુ મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે. નોંધનીય છે કે, આ નવી તકોમાંથી લગભગ ૭૫,૦૦૦ જેટલી નોકરીઓ પ્રથમ વખત રોજગારી શોધતા યુવાનોને કાર્યબળમાં પ્રવેશવા માટે મદદરૂપ બનશે. આ તમામ ભૂમિકાઓ ફ્લિપકાર્ટની ૭,૦૦૦ થી વધુ 'એકાર્ટ' (eKart) સુવિધાઓમાં વહેંચાયેલી છે, જેમાં ફુલફિલમેન્ટ સેન્ટર્સ, સોર્ટિંગ હબ અને લાસ્ટ-માઇલ ડિલિવરી ઓપરેશન્સનો સમાવેશ થાય છે.
કંપનીએ પોતાના લોજિસ્ટિક્સ નેટવર્કને વધુ ઝડપી બનાવવા માટે ૯૦૦થી વધુ નવા તહેવારી ડિલિવરી હબ ઉમેર્યા છે, જેના કારણે માત્ર લાસ્ટ-માઇલ ડિલિવરીમાં જ ૧.૪ લાખ જેટલી નોકરીઓ ઉભી થઈ છે. ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં સતત વધી રહેલી માંગ અને 'ફ્લિપકાર્ટ મિનિટ્સ' ના ઝડપી વિસ્તરણને કારણે કુલ મોસમી રોજગારમાં લાસ્ટ-માઇલ વર્કફોર્સનો હિસ્સો ૬૦% સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત, આ વખતે સમાવેશી રોજગારી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં સપ્લાય ચેઇનમાં મહિલાઓની ભાગીદારી ૨૦%થી વધુ થઈ છે અને દિવ્યાંગ વ્યક્તિઓને પણ વેરહાઉસ તથા ડિલિવરી કાર્યક્ષેત્રમાં મોટી તકો આપવામાં આવી છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
