<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

જાતિ ગણતરીનું ખામીયુક્ત માળખું ઓબીસી-ઈબીસીને દાયકાઓ પાછળ ધકેલશે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર ઉપર આકરો પ્રહાર

૪,૨૦૦ જાતિઓની યાદી ઉપલબ્ધ હોવા છતાં ‘ડ્રોપડાઉન’ વિકલ્પ કેમ નહીં? સર્વપક્ષીય ચર્ચા બાદ નવી પ્રશ્નાવલી બનાવવા કોંગ્રેસની માંગ

અમદાવાદ  : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જાતિ આધારિત વસ્તી ગણતરીની વર્તમાન પ્રક્રિયાને ખામીયુક્ત ગણાવી કેન્દ્રની ભાજપ સરકારની નિયત સ્પષ્ટ અને ઈમાનદાર નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજકીય પક્ષો, નિષ્ણાતો અને જનતા સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ નવી પ્રશ્નાવલી તૈયાર કરવી જોઈએ. હલ્દ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ થયેલા કહેવાતા ‘શુદ્ધિકરણ’ને પણ તેમણે જાતિવાદી માનસિકતાનું ભયાનક પ્રદર્શન ગણાવી કાયદેસરની કાર્યવાહી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ નિંદાની માગ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે કોંગ્રેસ લાંબા સમયથી યોગ્ય રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માગ કરી રહી છે. આ માગ વર્ષ ૨૦૨૧થી પડતર છે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વર્ષ ૨૦૨૩થી સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ગત ૨૦ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર પણ લખ્યો હતો.

ગેહલોતે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગેએ ૧૬ એપ્રિલ, ૨૦૨૩ના રોજ પહેલો પત્ર તથા ૫ મે, ૨૦૨૫ના રોજ રચનાત્મક સૂચનો સાથે બીજો પત્ર લખ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે બંને પત્રોનો કોઈ જવાબ આપ્યો નથી. જાતિ ગણતરીના વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નહીં હોય તો શિક્ષણ, શિષ્યવૃત્તિ, કૌશલ્ય વિકાસ, સરકારી રોજગાર અને કલ્યાણકારી યોજનાઓમાં લક્ષિત હિસ્સેદારી નક્કી કરવી મુશ્કેલ બનશે.

વિધાનસભા, લોકસભા, અમલદારશાહી, ઉચ્ચ ન્યાયતંત્ર અને અન્ય સંસ્થાઓમાં ઓબીસી-ઈબીસીની વાસ્તવિક ભાગીદારીની તેમની વસ્તી સાથે પ્રમાણિક તુલના પણ થઈ શકશે નહીં. આવક, સંપત્તિ, રોજગાર, વ્યવસાય, કોર્પોરેટ નેતૃત્વ અને આર્થિક તકોમાં ઓબીસી-ઈબીસીની ભાગીદારી જાણવા માટે વિશ્વસનીય આધારરેખા તૈયાર નહીં થઈ શકે. તેમણે સવાલ કર્યો હતો કે જાતિ ગણતરી અંગે મોદી સરકારની નિયત સ્પષ્ટ કેમ નથી?

અશોક ગેહલોતે દાવો કર્યો કે આગામી વસ્તી ગણતરી માટે સૂચવાયેલા ૪૦ પ્રશ્નોમાંથી પ્રશ્ન ક્રમાંક ૧૦ જ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીથી બચવાનો પ્રયાસ કરી રહી છે. વર્તમાન પ્રશ્નાવલીમાં ‘પછાત વર્ગ’ શબ્દનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. પરિણામે ઓબીસીની વસ્તીનો સાચો આંકડો સામે આવવાની શક્યતા ઓછી છે.

તેમણે જણાવ્યું કે હાલ જાતિ આધારિત વસ્તી ગણતરી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ છે અને ફેબ્રુઆરી, ૨૦૨૭થી તેને સમગ્ર દેશમાં શરૂ કરવાની છે. તેથી કેન્દ્ર સરકાર પાસે વર્તમાન માળખામાં જરૂરી સુધારા કરવા માટે હજુ સમય છે. ખોટા આંકડા માત્ર આંકડાકીય ભૂલ નહીં રહે, પરંતુ આવનારી પેઢીઓના અધિકારોને પણ અસર કરશે. ખામીયુક્ત ગણતરી ઓબીસી-ઈબીસી સમુદાયને દાયકાઓ પાછળ ધકેલી શકે છે.

દેશમાં આશરે ૪,૨૦૦ જાતિઓ હોવાનું જણાવતાં ગેહલોતે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે તેમની યાદીઓ પહેલેથી ઉપલબ્ધ છે. આમ છતાં દેશવ્યાપી જાતિ ગણતરીમાં ‘ડ્રોપડાઉન લિસ્ટ’નો સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી તે મોટો સવાલ છે. સરકારે તેના બદલે ખુલ્લા જવાબનો વિકલ્પ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

તેમણે સમજાવ્યું કે ‘ડ્રોપડાઉન લિસ્ટ’માં સરકાર દ્વારા માન્ય જાતિઓની નિશ્ચિત યાદી અગાઉથી નોંધાયેલી હોય છે. ગણતરીકાર નાગરિકને તેની જાતિ પૂછીને યાદીમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરે છે. ખુલ્લા જવાબના વિકલ્પમાં કોઈ પૂર્વનિર્ધારિત યાદી હોતી નથી. નાગરિક પોતાની જાતિ અથવા પેટાજાતિનું જે નામ જણાવે તે ગણતરીકાર જોડણી સહિત શબ્દશઃ નોંધે છે.

ભારતમાં એક જ જાતિ અલગ-અલગ વિસ્તારોમાં જુદાં નામો, પેટાજાતિઓ અને ભાષાકીય ઓળખથી જાણીતી છે. પ્રાદેશિક બોલી, પર્યાયવાચી શબ્દો અને જોડણીના તફાવતને કારણે એક જ જાતિનાં અનેક નામ નોંધાઈ શકે છે. તેના કારણે એક જ જાતિ અનેક ભાગોમાં વહેંચાઈ જશે અને ઓબીસી-ઈબીસીની વાસ્તવિક સંખ્યા તથા તેમની વંચિતતા આંકડામાં અદૃશ્ય થઈ શકે છે. આવા આંકડા અવ્યવહારુ બનશે અને તેની સૌથી મોટી કિંમત ઓબીસી-ઈબીસી તથા અન્ય વંચિત વર્ગોએ ચૂકવવી પડશે.

ગેહલોતે સવાલ કર્યો કે માન્ય જાતિઓની યાદી ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નથી અને કોના નિર્દેશ કે ઈશારે પછાત વર્ગોની જાતિઓનું ‘ડ્રોપડાઉન લિસ્ટ’ પ્રક્રિયામાં સામેલ કરાયું નથી? તેમણે કહ્યું કે શોષિત, વંચિત, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના હક તથા અધિકારો માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે. કોઈપણ સંજોગોમાં ભાજપ સરકારે યોગ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જ પડશે.

કોંગ્રેસે માગ કરી છે કે રાજકીય પક્ષો, નિષ્ણાતો અને જનતા સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કર્યા બાદ નવી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે, જેથી દરેક જાતિ અને સમુદાયની સાચી સંખ્યા સામે આવે તથા જાતિ આધારિત વસ્તી ગણતરી સચોટ, અર્થપૂર્ણ અને સામાજિક ન્યાય માટે ઉપયોગી બની શકે.

હલ્દ્વાનીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ એ જ સ્થળે ગંગાજળ છાંટીને તથા હવન કરીને કરવામાં આવેલા કહેવાતા ‘શુદ્ધિકરણ’ની ગેહલોતે આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ માત્ર એક વરિષ્ઠ નેતાનું અપમાન નથી, પરંતુ જાતિવાદી માનસિકતાનું ભયાનક પ્રદર્શન છે. બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે ઘડેલું બંધારણ સમાનતા અને સામાજિક ન્યાયની ખાતરી આપે છે.

તેમણે જણાવ્યું કે જે. પી. નડ્ડાએ રાજ્યસભામાં આશ્વાસન આપ્યું હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી સામે આવી નથી. કોંગ્રેસે સોશિયલ મીડિયાની પોસ્ટ, ઉપલબ્ધ દૃશ્ય સામગ્રી અને આયોજકોનાં જાહેર નિવેદનોની તપાસ કરવાની માગ કરી છે. ઉત્તરાખંડ પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધી અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો, નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ તથા અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિષ્પક્ષ તપાસ કરે તેવી માગ પણ કરવામાં આવી છે.

કાર્યક્રમનું આયોજન કરનાર વ્યક્તિઓ અને સંગઠનની ઓળખ જાહેર કરવા, અત્યાર સુધી કરાયેલી કાર્યવાહીનો ખુલાસો કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ઘટનાની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરે તેવી કોંગ્રેસે માગ કરી છે. વડાપ્રધાને દલિત સમાજને ખાતરી આપવી જોઈએ કે બંધારણ સાથેની છેડછાડ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે, તેમ ગેહલોતે જણાવ્યું હતું.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી આ વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સર્વશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય જગદીશ ઠાકોર, કેન્દ્રીય ચૂંટણી સમિતિનાં સભ્ય ડૉ. અમીબેન યાજ્ઞિક, ઓડિશાના પ્રભારી લાલજી દેસાઈ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી ઋત્વિક મકવાણા, ડૉ. પલક વર્મા, નીલેશભાઈ પટેલ, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી, ઓબીસી વિભાગના ચેરમેન મહેશ રાજપૂત, પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, સહ-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર, ડૉ. પાર્થિવરાજસિંહ કથવાડિયા અને ડૉ. અમિત નાયક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે સત્તાવાર પ્રેસ યાદીમાં જણાવ્યું છે.

(11:46 PM IST)