News of Saturday, 18th April 2026
વારાણસીમાં 'ધ્વજ યુદ્ધ': ભગવા અને વાદળી પ્રતીકોના વિવાદમાં પથ્થરમારો ; ACP સહિત 7 પોલીસકર્મી લોહીલુહાણ: ગામમાં સન્નાટો
ગામના પ્રવેશદ્વાર પર રામ નવમીના ભગવા ધ્વજને હટાવી આંબેડકર જયંતીનો વાદળી ધ્વજ લગાવવા મામલે બે જૂથો આમને-સામને : ૬૦ તોફાનીઓ સામે FIR અને ધરપકડના ડરથી દલિત વસાહતોમાંથી યુવાનો પલાયન : ગામમાં સજ્જડ પોલીસ છાવણી

વારાણસી: વારાણસીના નાહિયા ગામમાં 'બાબા બટુક ભૈરવ ધામ' પ્રવેશદ્વાર પર ધ્વજ ફરકાવવા મુદ્દે હિંસક અથડામણ ફાટી નીકળી હતી. રામ નવમી નિમિત્તે લાગેલા ભગવા ધ્વજને હટાવી ત્યાં આંબેડકર જયંતીનો વાદળી ધ્વજ લગાવવા અને ત્યારબાદ તેને ફાડી નાખવાના આરોપોએ કોમી તણાવ જગાવ્યો હતો. વિવાદ એટલો વણસ્યો કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો, જેમાં એસીપી (ACP) વિદુષ સક્સેના અને ઇન્સ્પેક્ટર સહિત સાત પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
ઘટના બાદ પોલીસે ૧૧ નામજોગ અને ૫૦ અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર (FIR) નોંધી કડક કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે સવારે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને પાંચ પોલીસ સ્ટેશનના દળો સાથે પીએસી (PAC) તૈનાત કરવામાં આવી છે. ધરપકડના ડરથી દલિત વસાહતના મોટાભાગના યુવાનો ઘર છોડીને ભાગી ગયા છે, જેના કારણે ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસે ગામના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવી અત્યાર સુધીમાં ૬થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે.
સ્થાનિકોમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારે રોષ છે; તેમનું માનવું છે કે જો ૧૬ એપ્રિલે જ્યારે પહેલીવાર હાઇવે બ્લોક થયો ત્યારે પોલીસે ગંભીરતા બતાવી હોત, તો આ હિંસા ટાળી શકાઈ હોત. હાલમાં સંત રવિદાસ મંદિર અને બટુક ભૈરવ મંદિર વચ્ચેના આ સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ગામના પ્રવેશદ્વાર પર કયા ધ્વજને સ્થાન આપવું તે બાબતે શરૂ થયેલો નાનો વિવાદ હવે મોટા કાયદાકીય જંગમાં ફેરવાઈ ગયો છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
