<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ફ્રાન્સમાં પશુઓના 'શામોન્ડા' વાયરસથી દર્દીનું મૃત્યુ થતા પહેલો માનવીય કેસ નોંધાયો

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીનું નિધન થયાનું સત્તાવાળાઓનું નિવેદન : વ્યાપક ફેલાવવાનું કોઈ જોખમ નહીં

પેરિસ : ફ્રાન્સમાં સામાન્ય રીતે પશુઓમાં જોવા મળતા 'શામોન્ડા' વાયરસનો પ્રથમ માનવીય કેસ સામે આવ્યો છે જેમાં સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સરકારી નિવેદન અનુસાર આ દર્દીને પૂર્વ ફ્રાન્સમાં વાયરસ વહન કરતી માખી અથવા મિડજ દ્વારા કરડવામાં આવ્યો હોવાની શક્યતા છે જ્યાં આ વાયરસ આ વર્ષે વસંત અને ઉનાળામાં પશુઓમાં ફેલાયો હતો. આ દર્દી ૬૦ વર્ષની વયના હતા અને લ્યોન વિસ્તારમાં રહેતા હતા. તેમને અન્ય કોઈ ગંભીર બીમારીના કારણે લ્યોનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ફ્રેન્ચ સ્વાસ્થ્ય નિર્દેશાલયના વડા ગ્રેગરી એમરીએ જણાવ્યું કે વૈજ્ઞાનિક અને વાયરોલોજીની દ્રષ્ટિએ આ એક અભૂતપૂર્વ કિસ્સો છે જે દર્દીની અત્યંત નબળી રોગપ્રતિકારક શક્તિ સાથે જોડાયેલો છે. તબીબી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ હાલમાં કોઈ એલર્ટ કે કટોકટી નથી. સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ આરોગ્ય સંસ્થા આ મામલે ફ્રેન્ચ સત્તાવાળાઓના સંપર્કમાં છે અને જણાવ્યું છે કે આ એક અલગ જ કિસ્સો છે અને તેના વ્યાપક ફેલાવાની કોઈ સંભાવના નથી.

વિશ્વ પશુ આરોગ્ય સંંગઠન મુજબ શામોન્ડા વાયરસ ડંખ મારનાર કીટકો દ્વારા ફેલાય છે અને મોટે ભાગે ગાયોમાં જોવા મળે છે, જ્યારે ઘોડા, અપાકા, ઘેટાં અને બકરામાં પણ તેની પુષ્ટિ થઈ છે. પશુથી માનવી કે માનવીથી માનવીમાં આ વાયરસના સંક્રમણનો કોઈ અહેવાલ નથી. આ વાયરસ યુરોપિયન યુનિયનના પશુ સ્વાસ્થ્ય કાયદા હેઠળ રોગ તરીકે વર્ગીકૃત નથી અને તેના પર સત્તાવાર દેખરેખ કે નિયંત્રણ ઉપાયો લાગુ થતા નથી.

૧૯૬૦ના દાયકાના મધ્યભાગમાં નાઈજીરીયામાં ઓળખાયેલ આ વાયરસ યુરોપમાં આ વર્ષે જુલાઈના અંતમાં દક્ષિણ જર્મની, સ્વ્ઝરલેન્ડ અને પૂર્વ ફ્રાન્સમાં બીમાર પશુઓ પર જિનોમિક ટેસ્ટ બાદ પુષ્ટિ પામ્યો હતો. ફ્રાન્સના સાપ્તાહિક પશુ સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, આયર્લેન્ડ, ઇટાલી, લિક્ટેંશાઇન, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્લોવેનિયા, સ્પેન અને જર્સીમાં પણ આ વાયરસ નોંધાયો છે. પશુઓમાં આ વાયરસના કારણે ઝાડા, નબળાઈ, ભૂખ ન લાગવી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે, જ્યારે ફ્રાન્સના નવ ડેરી ફાર્મના અભ્યાસ મુજબ દૂધનું ઉત્પાદન ૭૫ ટકા સુધી ઘટી ગયું હતું.

(12:10 AM IST)