News of Sunday, 17th May 2026
આભમાંથી વરસશે અગનગોળા: દિલ્હીમાં પારો 45 ડિગ્રીને પાર : શું ઉત્તર ભારત બનશે ભઠ્ઠી?
હવામાન વિભાગની ડરામણી આગાહી: આગામી એક અઠવાડિયા સુધી સૂર્યનારાયણ મચાવશે કહેર : લૂના થપાટા અને પ્રચંડ ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત: રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી હીટવેવનું રેડ એલર્ટ

નવી દિલ્હી : ઉત્તર ભારત અત્યારે કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે, જ્યાં સૂર્યદેવ જાણે અગનવર્ષા કરી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો 45°C ના ખતરનાક સ્તરને વટાવી ગયો છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર જાણે અઘોષિત સંચારબંધી જેવો માહોલ સર્જાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ અત્યંત નિરાશાજનક અપડેટ આપતા જણાવ્યું છે કે આગામી 22 મે સુધી ગરમીના આ પ્રકોપમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના રણ વિસ્તારોમાંથી આવતા ગરમ પવનોએ મેદાની વિસ્તારોને ભઠ્ઠીમાં ફેરવી દીધા છે, જેના કારણે માત્ર માણસો જ નહીં પણ પશુ-પંખીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગરમીની આ તીવ્રતા હજુ વધવાની છે તેવા સંકેતો આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દિલ્હીમાં રવિવારે ભલે આંશિક વાદળછાયું આકાશ રહે, પરંતુ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી 'લૂ' શરીરને દઝાડી દેશે. રાત્રિના તાપમાનમાં પણ વધારો થવાને કારણે લોકોને રાત્રે પણ ગરમીથી છુટકારો મળી રહ્યો નથી. હવામાનશાસ્ત્રીઓના મતે, પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં થઈ રહેલો તાપમાનનો વધારો મેદાની વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધારશે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. હોસ્પિટલોમાં પણ હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જ્યારે ઉત્તર ભારત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોમાં કુદરત મહેરબાન દેખાય છે. કેરળ, તમિલનાડુ અને આસામ જેવા રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ત્યાંના લોકોને ગરમીથી થોડી રાહત આપશે. જોકે, ઉત્તર ભારતના રહેવાસીઓ માટે વરસાદ હજુ દિલ્હી દૂર હોય તેવું લાગે છે. IMD એ લોકોને બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને સતત પ્રવાહી લેતા રહેવાની કડક સલાહ આપી છે. આગામી એક સપ્તાહ ઉત્તર ભારત માટે પરીક્ષાની ઘડી સમાન બની રહેશે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
