News of Tuesday, 23rd June 2026
યુરોપમાં આભમાંથી વરસી ‘આગ’: ફ્રાન્સમાં ગરમીથી બચવા નદીમાં કૂદેલા ૪૦ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત
૧૯૪૭ પછીની સૌથી ગરમ રાત્રિઓથી ફ્રાન્સ સહિતના યુરોપિયન દેશો ત્રાહિમામ: કારમાં પૂરાઈ ગયેલા માસૂમ બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો હીટસ્ટ્રોકનો ભોગ બનતા દેશમાં કટોકટી જાહેર

પેરિસ: યુરોપિયન દેશો હાલમાં કુદરતના પ્રકોપ અને અભૂતપૂર્વ ગરમીના મોજા (હીટવેવ) નો સામનો કરી રહ્યા છે, જેમાં ફ્રાન્સની સ્થિતિ સૌથી વધુ ભયાનક બની છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી અલ જઝીરાના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, અસહ્ય ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા માટે ફ્રાન્સના અસુરક્ષિત તેમજ પ્રતિબંધિત નદી વિસ્તારોમાં અચાનક ૪૦ જેટલા લોકો કૂદી પડ્યા હતા, જે તમામના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં મોટાભાગના યુવાનો સામેલ હતા, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ ભયાનક હોનારત બાદ ફ્રાન્સના વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ તાકીદની કટોકટી બેઠક બોલાવી હતી અને આ ઘટનાને એક ‘દુ:ખદ આપત્તિ’ ગણાવી નાગરિકો માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે.
હવામાન એજન્સી મેટિઓ-ફ્રાન્સના સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ ૧૯૪૭ માં તાપમાનનો રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની ઇતિહાસની સૌથી ગરમ રાત સોમવાર અને મંગળવારે નોંધાઈ હતી. દેશના ૩૦ પ્રમુખ સ્ટેશનો પરથી લેવાયેલા સરેરાશ રીડિંગ મુજબ રાત્રિનું લઘુત્તમ તાપમાન ૨૧.૬°C (૭૦.૯°F) સુધી પહોંચી ગયું હતું, જેણે ૨૫ જુલાઈ ૨૦૧૯ ના ૨૧.૪°C ના અગાઉના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. બોર્ડેક્સ અને પોઇટિયર્સ સહિતના ૫૪ થી વધુ શહેરોમાં દિવસ દરમિયાન પારો ૪૦°C (૧૦૪°F) ને પાર કરી જતાં પાવર ગ્રીડ અને જાહેર સેવાઓ પર ભારે દબાણ ઊભું થયું છે, જેના કારણે એર કંડિશનિંગ વિનાની શાળાઓને વહેલી બંધ કરવાની અથવા સમયપત્રક બદલવાની ફરજ પડી છે.
આ જીવલેણ ગરમી માત્ર નદીઓમાં જ નહીં, પરંતુ ઘરોની બહાર પણ કાળ બનીને ત્રાટકી રહી છે. દક્ષિણપૂર્વ ફ્રાન્સના કાર્પેન્ટ્રસમાં પોતાના ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી બે અને ચાર વર્ષના બે નિર્દોષ બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમનું કમકમાટીભર્યું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. આ સિવાય બોર્ડેક્સ વિસ્તારમાં ગરમી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને લીધે ૮૦ થી ૯૫ વર્ષની વયના અન્ય ત્રણ વડીલોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. રમતગમત મંત્રી મરિના ફેરારીએ પણ સખત ચેતવણી આપી છે કે હીટવેવ દરમિયાન અનધિકૃત વિસ્તારોમાં તરવા જવું એ કોઈ નાની બાબત નથી પરંતુ ગંભીર જોખમ છે, જેને રોકવા માટે સરકાર હવે સ્થાનિક સ્તરે તમામ પ્રયાસો કરી રહી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
