News of Tuesday, 29th September 2026
વિધાનસભાના વિશેષાધિકાર વિરુદ્ધ વાણી સ્વાતંત્ર્યની લડાઈ: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી સામે નોંધાવ્યો વિરોધ
ધારાસભ્યોના વિશેષાધિકાર અને નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના ટકરાવ પર આગામી ૬ ઓક્ટોબરથી સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચ કરશે સુનાવણી: 'નયા ભારત' શો બાદ સર્જાયો હતો મોટો વિવાદ

નવી દિલ્હી : દેશના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ ધારાસભ્યોના વિધાનસભા વિશેષાધિકાર અને નાગરિકોના વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના સીમાઓ નક્કી કરવાના અત્યંત મહત્વપૂર્ણ કેસમાં સીધા હસ્તક્ષેપ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાડ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાના એક સ્ટેન્ડ-અપ શો 'નયા ભારત'ને લઈને ચાલી રહેલી વિશેષાધિકાર ભંગની કાર્યવાહી સામે તેમણે આ કાનૂની લડાઈ શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની મોટી બંધારણીય બેંચ આગામી ૬ ઓક્ટોબરથી આ સમગ્ર મામલાની ગંભીર સુનાવણી શરૂ કરવાની છે.
એકનાથ શિંદે પર કમેન્ટ કરવી પડી ભારે: પ્રવીણ દરેકરે દાખલ કરી હતી વિશેષાધિકાર ભંગની નોટિસ
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કુણાલ કામરાએ પોતાના એક શો દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતી મજાક કરી હતી. આ ટિપ્પણી બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ભાજપના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કામરા તેમજ શિવસેના (UBT)ના પ્રવક્તા સુષ્મા અંધારે વિરુદ્ધ વિધાનસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરાવી હતી. આ કાર્યવાહીના પગલે હવે કુણાલ કામરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાનો પક્ષ મૂક્યો છે.
નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાવવા માટે થઈ રહ્યો છે વિશેષાધિકારનો ઉપયોગ: કામરાનો દાવો
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં કુણાલ કામરાએ સ્પષ્ટ જણાવ્યું છે કે નાગરિકોના અવાજને અને તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવા માટે કાયદાકીય વિશેષાધિકારોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે દલીલ કરી છે કે આ પ્રકારના વિશેષાધિકારો માત્ર મીડિયા કે પત્રકારોને જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓની કામગીરી વિશે ખુલીને બોલવા માગતા દેશના કોઈપણ સામાન્ય નાગરિકના મૌલિક અધિકારોને સીધી અસર પહોંચાડે છે. આ કેસના પરિણામો ભવિષ્યમાં ભારતીય રાજકારણ અને અભિવ્યક્તિની આઝાદી પર મોટી અસરો છોડી શકે છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
