<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના ૪ સભ્યોની નરસંહારથી ભયનો માહોલ: ડ્રગ ટેસ્ટ નેગેટિવ આવતાં પોલીસની મનઘડંત વાર્તાનો પર્દાફાશ, તપાસ સામે ઉઠ્યા ગંભીર સવાલો!

નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી સહિત આખા પરિવારની રાતોરાત નિર્મમ હત્યા; કમિશનરના બદલાતા નિવેદનો, પુરાવા નષ્ટ કરવાના પ્રયાસો અને વિરોધાભાસી દાવાઓથી જનતામાં ઉગ્ર રોષ.

ઢાકા, તા.૦૪: બાંગ્લાદેશના રંગપુર શહેરમાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક જ હિન્દુ પરિવારના ચાર નિર્દોષ સભ્યોની ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ૬૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી, તેમનાં પત્ની પ્રીતિલતા, પુત્રી આમી અને ૧૨ વર્ષના માસૂમ પુત્ર પ્રિયમની હત્યા બાદ સ્થાનિક પોલીસે જે 'ડ્રગ્સ અને લૂંટ'ની વાર્તા રજૂ કરી હતી, તે હવે વિજ્ઞાન અને તથ્યો સામે સાવ ખોટી સાબિત થઈ રહી છે. 

ડ્રગ ટેસ્ટ નેગેટિવ આવતાં પોલીસનો મોટો દાવો ધ્વસ્ત પોલીસે આ બર્બર હત્યાકાંડના મુખ્ય આરોપી તરીકે બે સ્થાનિક યુવાનો સિદ્ધાર્થ દાસ અને મુગ્ધા દાસની ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે બંને યુવકો અગાશી પર ડ્રગ્સનું સેવન કરી રહ્યા હતા અને પકડાઈ જવાના ડરે તેમણે આખા પરિવારનો સફાયો કરી નાખ્યો. જોકે, ૩૧ ઓગસ્ટના રોજ આવેલા વૈજ્ઞાનિક રિપોર્ટમાં બંને આરોપીઓનો ડ્રગ ટેસ્ટ 'નેગેટિવ' આવ્યો છે, એટલે કે તેમના શરીરમાં કોઈ ડ્રગ્સ મળ્યું જ નથી! આ રિપોર્ટ બહાર આવતાં જ પોલીસની થિયરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. 

પોલીસ કમિશનરના બદલાતા નિવેદનો અને શંકાસ્પદ ભૂમિકા આ હત્યાકાંડમાં પોલીસની ભૂમિકા શરૂઆતથી જ શંકાસ્પદ રહી છે. ૨૩ ઓગસ્ટે પોલીસ કમિશનરે કહ્યું હતું કે ગણપતિની હત્યા અગાશી પર, જ્યારે પત્ની અને પુત્રીની હત્યા સીડી પર થઈ હતી. પરંતુ ૨૭ ઓગસ્ટે તેમણે નિવેદન બદલીને કહ્યું કે ત્રણેયની હત્યા અગાશી પર કરાઈ હતી અને મૃતદેહો નીચે ઢસડવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં માત્ર કાગળ વાંચીને કમિશનર પત્રકારોના સવાલોના જવાબ આપ્યા વિના જ ભાગી છૂટ્યા હતા, જેનાથી શંકા વધુ ઘેરી બની છે. 

પુરાવા નષ્ટ કરવાનો કાવતરાપૂર્વક પ્રયાસ? ઘટના સમયે ઘરનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને પાણીનો પંપ ચાલુ રખાયો હતો, જેથી અગાશી પરથી સતત પાણી વહેતું રહે અને ફોરેન્સિક પુરાવા ધોવાઈ જાય. આ સિવાય જપ્ત કરાયેલા રોકડ અને ઘરેણાંના આંકડામાં પણ પોલીસે ભારે લોચો માર્યો છે. સ્થાનિક લોકો અને પીડિત પરિવારજનોનો સવાલ છે કે બે દુબળા-પાતળા છોકરાઓ કોઈ પણ અવાજ કે હોબાળા વિના ૪ લોકોની હત્યા કેવી રીતે કરી શકે અને હત્યા કર્યા પછી ૬-૭ કલાક ઘરમાં રોકાઈને નાસ્તો કેવી રીતે કરી શકે? આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ખડો કર્યો છે.

(4:31 PM IST)