News of Friday, 18th September 2026
મહારાષ્ટ્રમાં વરસાદની ખેંચથી ખેડૂતો પર આકાશી આફત: પાક સુકાતાં શરદ પવારે મુખ્યપ્રધાનને પત્ર લખી ૯ મુદ્દા સાથે તાત્કાલિક રાહત પેકેજની કરી જોરદાર માંગણી
ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹૫૦,૦૦૦ ની સહાય, સંપૂર્ણ લોન માફી, પશુઓ માટે ઘાસચારા ડેપો અને વિદ્યાર્થીઓની ફી માફ કરવા પૂર્વ કેન્દ્રીય મંત્રીની ધારદાર રજૂઆત

મુંબઈ : મહારાષ્ટ્રમાં એક તરફ મરાઠા અનામતનો મુદ્દો ગરમાયેલો છે, ત્યાં બીજી તરફ કુદરતે ખેડૂતોની કસોટી કરવાનું શરૂ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસાની લાંબી ખેંચ અને વરસાદની ભારે અછતને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. ખેતી અને પશુધન પર તોળાઈ રહેલા આ ગંભીર સંકટને ધ્યાનમાં રાખીને એનસીપી (એસપી)ના સુપ્રીમો અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખીને તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે. પવારે ખેડૂતોની વહારે આવવા માટે ૯ મહત્ત્વના મુદ્દાઓ સાથેનું રાહત આયોજન સૂચવ્યું છે.
તાજેતરમાં જ મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં મહેસૂલ અને કૃષિ વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રના ૧૯ જિલ્લાના ૮૩ તાલુકાઓમાં છેલ્લા ૨૦ દિવસથી પણ વધુ સમયથી વરસાદનો એક ટીંપોય પડ્યો નથી. વરસાદના અભાવે સોયાબીન, કપાસ, બાજરી, મકાઈ, તુવેર, મગ અને અડદ જેવા ઊભા પાક સૂરજના તાપમાં સુકાઈ રહ્યા છે. એટલું જ નહીં, ખેતરોમાં પાક સુકાવાની સાથે જીવાતો અને રોગચાળાનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના કારણે ખેડૂતોની આર્થિક કમર ભાંગી ગઈ છે. ખેતીની સાથે સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટેના ઘાસચારાની પણ ભારે તંગી સર્જાઈ રહી છે.
આ કટોકટીભરી સ્થિતિમાંથી ગ્રામીણ અર્થતંત્રને ઉગારવા માટે શરદ પવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર પત્ર શેર કરતાં ૯ મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે:
- દુષ્કાળની જાહેરાત: કોઈ પણ પ્રકારના સરકારી કે ઔપચારિક વિલંબ વિના સૌથી વધુ અસરગ્રસ્ત તાલુકાઓને તાત્કાલિક 'દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવામાં આવે.
- આર્થિક સહાય: પીડિત ખેડૂતોને પ્રતિ હેક્ટર ઓછામાં ઓછી ₹૫૦,૦૦૦ ની સીધી આર્થિક સહાય આપવામાં આવે અને ભૂમિહીન ખેતમજૂર પરિવારોને ₹૨૫,૦૦૦ ની મદદ ચૂકવાય.
- કૃષિ લોન માફી: આફતમાં મુકાયેલા ખેડૂતો માટે તાત્કાલિક કૃષિ લોન માફી યોજના અમલી બનાવવામાં આવે. નિયમિત બેંક લોન ભરતા પ્રમાણિક ખેડૂતો માટે પ્રોત્સાહક સબસિડી ₹૫૦,૦૦૦ થી વધારીને ₹૧ લાખ કરવામાં આવે.
- પાક વીમા વળતર: અસરગ્રસ્તોને ૧ રૂપિયાવાળી પાક વીમા યોજનાનો લાભ પૂર્વવર્તી અસરથી મળે તે સુનિશ્ચિત થાય. ઉપરાંત, ગત વર્ષના કમોસમી વરસાદનું બાકી નીકળતું ₹૧૭,૦૦૦ પ્રતિ હેક્ટરનું વળતર તુરંત છૂટું કરાય.
- રોજગાર અને બાગાયત રક્ષણ: દુષ્કાળગ્રસ્ત ભાગોમાં મનરેગા (રોજગાર ગેરંટી) હેઠળ કૃષિ અને જળ સંરક્ષણના કામો શરૂ થાય તથા ફળોના બગીચા સુકાતા બચાવવા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે.
- પીવાનું પાણી અને પશુધન રક્ષણ: ગ્રામીણ વિસ્તારોમાં માંગ મુજબ પીવાના પાણીના ટેન્કર શરૂ થાય અને પશુઓ માટે ઘાસચારા વિતરણ કેન્દ્રો (છાાવણીઓ) તથા પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવાય.
- વીજ પુરવઠા માટે અભિયાન: ખેતી માટે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ઊર્જા વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવી બળી ગયેલા વીજ ટ્રાન્સફોર્મર (ડીપી) સમયસર રિપેર કરવામાં આવે.
- કંટ્રોલ રૂમની સ્થાપના: રાજ્ય અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ બનાવી દરરોજ વરસાદ, પાકની સ્થિતિ, પીવાના પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા પર રીઅલ-ટાઇમ મોનિટરિંગ થાય.
- શૈક્ષણિક ફી માફી: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના બાળકોની શાળા-કોલેજોની પરીક્ષા ફી તેમજ સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવે.
પવારની આ રજૂઆત બાદ રાજ્યના ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. જોકે, પવારના આ પત્ર સંદર્ભે મુખ્યપ્રધાન કાર્યાલય કે દેવેન્દ્ર ફડણવીસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા કે આશ્વાસન સામે આવ્યું નથી.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
