<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

રાષ્ટ્રીય રાજધાનીમાં શોખીનો-મજનુઓ બેફામ: દિલ્હી યુનિવર્સિટીની કન્યા પર અશ્લીલ કમેન્ટ્સ કરી, વિરોધ કરતાં કારમાં પીછો કરી ધમકી આપી અને હુમલાનો પ્રયાસ કર્યો

​મુખર્જી નગરમાં મોડી રાત્રે બનેલી સનસનાટીભરી ઘટના: 'અર્બન માઇન્ડસેટ' લખેલું ટી-શર્ટ પહેરીને જતી વિદ્યાર્થિની તથા તેની સહેલી પર એસયુવી સવાર યુવકો તૂટી પડ્યા, યુવતીએ મોબાઈલ કેમેરો ચાલુ કરતાં જ લુખ્ખાઓ ગાડી હંકારી મૂકીને ભાગી છૂટ્યા

​નવી દિલ્હી : ​દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓ તથા યુવતીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શિક્ષણધામ તરીકે જાણીતા ઉત્તર દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ની એક વિદ્યાર્થિની સાથે બળજબરી, છેડતી અને પીછો કરવાની ચકચારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થઈ રહેલી યુવતીના પોશાક પર બીભત્સ ટિપ્પણીઓ કર્યા બાદ કારસવાર લુખ્ખાઓએ આતંક મચાવીને યુવતીઓનો પીછો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

​પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પીડિત વિદ્યાર્થિની રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે પોતાની એક સહેલી સાથે હકીકત પાર્ક મોડથી ઓલ્ડ ગુપ્તા ચોક તરફ પગપાળા જઈ રહી હતી. તે સમયે પીડિતાએ લાલ રંગનું ટી-શર્ટ પહેરેલું હતું, જેના પર 'અર્બન માઇન્ડસેટ' લખેલું હતું. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી પહોંચેલી એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) કારમાં સવાર યુવકોએ કારની બારીનો કાચ નીચે ઉતારીને યુવતીના ટી-શર્ટ અને તેના દેખાવ પર અશ્લીલ તથા દ્વિઅર્થી કમેન્ટ્સ કરી હતી.

​રોડ પર જઈ રહેલી કન્યાઓએ આ અસભ્ય વર્તનનો તુરંત જ વિરોધ કર્યો હતો અને યુવકોને મર્યાદામાં રહેવાની ચેતવણી આપી હતી. જોકે, પોતાનો વાંક સ્વીકારવાને બદલે કારસવાર અસામાજિક તત્વો વધુ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે યુવતીઓ સાથે અત્યંત અભદ્ર ભાષામાં ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જ્યારે પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરવાની અને ગાડીનો નંબર નોંધી લેવાની વાત કરી ત્યારે આ શખ્સોએ "જોઈ લેવાની" ખુલ્લેઆમ ધમકી આપી હતી.

​પોતાનો જીવ બચાવવા અને આ લુખ્ખાઓથી પીછો છોડાવવા માટે બંને યુવતીઓએ ઝડપથી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારસવાર શખ્સોએ કાર પાછળ દોડાવીને તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું. થોડે દૂર આવેલા એક ચારરસ્તા પર આરોપીઓએ પોતાની કાર યુવતીઓની બિલકુલ સામે આડી ઊભી રાખી દઈ તેમનો રસ્તો રોકી લીધો હતો. કારમાં બેઠેલા તમામ યુવકોએ બારીના કાચ નીચે કરીને યુવતીઓને ભયભીત કરવા ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપી હતી.

​પરિસ્થિતિ વણસતી જોઈને પીડિત યુવતીએ ભારે હિંમત દાખવી હતી અને તરત જ પોતાનો સ્માર્ટફોન બહાર કાઢીને સમગ્ર ઘટનાનું વિડિયો શૂટિંગ અને કારનો ફોટો પાડવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના હાથમાં મોબાઈલ કેમેરો ચાલુ થતાં જ પકડાઈ જવાના ડરથી આ શખ્સો ગભરાઈ ગયા હતા અને પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

​આ સમગ્ર ઘટના અંગે પીડિત યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓની ઓળખ મેળવવા તેમજ તેમની કારનો નંબર શોધવા માટે વિસ્તારના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે. શૈક્ષણિક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશ મહિલાઓમાં ભારે રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

(5:17 PM IST)