News of Friday, 11th September 2026
યુક્રેનને ડ્રોન અને મિસાઇલો ખરીદવા યુરોપિયન યુનિયન આપશે ₹૬૭,૫૭૫ કરોડની જંગી લશ્કરી સહાય
પુતિનની નવી દિલ્હી મુલાકાત સમયે જ યુરોપિયન યુનિયન અને કેનેડાની મોટી જાહેરાત: એર ડિફેન્સ અને પેટ્રિઅટ સિસ્ટમ થશે મજબૂત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે ત્યારે બીજી તરફ યુરોપિયન યુનિયન (EU) દ્વારા યુક્રેન માટે એક અતિ મહત્વપૂર્ણ અને જંગી લશ્કરી સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. યુરોપિયન યુનિયને યુક્રેનને શસ્ત્રો, ડ્રોન અને મિસાઇલો ખરીદવા માટે ૬.૫ બિલિયન યુરો (આશરે ₹૬૭,૫૭૫ કરોડ) આપવાનો નિર્ણય કર્યો છે.
આ જંગી સહાય પેકેજમાંથી ૬.૧ બિલિયન યુરો ખાસ કરીને યુક્રેનની હવાઈ સંરક્ષણ શક્તિ મજબૂત કરવા માટે વપરાશે. આ ભંડોળના ઉપયોગથી યુક્રેન રશિયન હુમલાઓ સામે પોતાના આકાશને સુરક્ષિત રાખવા માટે આધુનિક ડ્રોન, મિસાઇલો તેમજ જરૂરી 'પેટ્રિઅટ' એર ડિફેન્સ સાધનો ખરીદી શકશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે યુક્રેનને સતત મદદ પૂરી પાડતા રહીશું. યુરોપની સુરક્ષા એ અમારી પ્રાથમિક જવાબદારી છે અને યુક્રેનની સુરક્ષા વિના યુરોપનું રક્ષણ શક્ય નથી."
યુરોપિયન યુનિયન ઉપરાંત કેનેડાએ પણ ૧૦ સપ્ટેમ્બરના રોજ યુક્રેનને ₹૨,૪૨૦ કરોડ (લગભગ ૩૦૦ મિલિયન ડોલર) ની સહાય આપવાની સંમતિ દર્શાવી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ સ્પષ્ટ કર્યું કે રશિયા દ્વારા નાગરિક વિસ્તારો પર હવાઈ હુમલાઓ સતત તેજ કરવામાં આવી રહ્યા છે, જેને રોકવા માટે યુક્રેન પ્રણાલીને મજબૂત બનાવવી અત્યંત આવશ્યક બની ગઈ છે.
ફેબ્રુઆરી ૨૦૨૨ થી ચાલી રહેલા રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નવી દિલ્હીની આ મુલાકાત રાજદ્વારી રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ડિસેમ્બર ૨૦૨૫ બાદ પુતિનની આ બીજી ભારત મુલાકાત છે, જ્યાં તેઓ ભારત સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. એક તરફ રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારો પર કબજો જમાવ્યો છે, તો બીજી તરફ યુક્રેન પશ્ચિમી દેશોની આર્થિક તથા લશ્કરી મદદથી ગેરીલા યુદ્ધ દ્વારા રશિયા સામે વળતા પ્રહારો કરી રહ્યું છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
