News of Sunday, 6th September 2026
ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટતાં રાખ પચાસ હજાર ફૂટ સુધી પહોંચી: પ્રચંડ વિસ્ફોટ: રાખનાં વાદળોથી જકાર્તાનું મુખ્ય હવાઈ મથક બંધ થતાં ઉડાનો ખોરવાઈ
૨૦૯ ઉડાનો અને ૨૨,૮૦૦ મુસાફરોને અસર, શાળા-માછીમારી બંધ કરાવી ત્રણ કિલોમીટર વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ

જકાર્તા, તા. ૬ : અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીમાંથી સતત લાવા અને રાખ નીકળતાં જકાર્તાના સુકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની કામગીરી અસ્થાયી રીતે સ્થગિત કરાઈ હતી. જ્વાળામુખીની રાખ હવાઈ મથકના આકાશમાં પહોંચી હોવાથી વિમાનના એન્જિન અને આગળના કાચને નુકસાન થવાનો ગંભીર ભય ઊભો થયો હતો.
સરકારી માહિતી પ્રમાણે આ ઘટનાથી ૨૦૯ ઉડાનો અને આશરે ૨૨,૮૦૦ મુસાફરો પ્રભાવિત થયા છે. સિંગાપોર, હોંગકોંગ, સિડની, સિયોલ, દોહા અને કુઆલાલમ્પુર સહિતના આંતરરાષ્ટ્રીય માર્ગો ઉપરાંત બાલી જતી સ્થાનિક ઉડાનોને પણ અસર થઈ હતી. રાખને કારણે સ્થાનિક લોકોમાં આંખોમાં બળતરાની ફરિયાદો નોંધાતાં ઘરમાં રહેવા અને માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે. નજીકની શાળાઓ તથા માછીમારી પ્રવૃત્તિ બંધ કરાવી જ્વાળામુખીની આસપાસ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તાત્કાલિક સુનામીનો ખતરો ન હોવાનું તંત્રે જણાવ્યું છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
