તા. ૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૪ ગુરૂવાર
News of Thursday, 26th November 2026
સામાન્ય જનતાના ખિસ્સા પર વધી શકે છે EMIનો બોજ: 2 થી 4 ડિસેમ્બરે મળનારી RBIની બેઠકમાં રેપો રેટમાં વધુ 0.25% નો વધારો થવાની પ્રબળ શક્યતા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ $118થી ઘટીને $100ની નીચે આવતા વ્યાજ દરોમાં આક્રમક વધારાનું જોખમ ટળ્યું; ઓક્ટોબરમાં 4 વર્ષ બાદ વધારો કર્યા પછી RBI ગવર્નર સંજય મલ્હોત્રા તબક્કાવાર કડક વલણ અપનાવી શકે છે

નવી દિલ્હી, તા. ૨૬: હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેનારા સામાન્ય ગ્રાહકો માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ની આગામી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક પર અત્યારે સમગ્ર દેશના બજારો અને લોનધારકોની નજર ટકેલી છે. આગામી 2 થી 4 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકમાં RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો વધારો ઝીંકી શકે છે, જેના કારણે લોનધારકોના માસિક હપ્તા (EMI) વધુ મોંઘા બનવાની શક્યતા છે.
જોકે, લોનધારકો માટે એક રાહતની વાત એ છે કે વ્યાજ દરોમાં કોઈ મોટા અને આક્રમક વધારાનું જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર પ્રશાંત પિંપલેના જણાવ્યા મુજબ, વર્તમાન આર્થિક સંજોગોમાં નીતિગત દરોમાં 0.25 ટકાનો વધારો સૌથી વધુ વ્યવહારુ રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવ અગાઉ પ્રતિ બેરલ $115 થી $118 ની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા, જે હવે ઘટીને $100 ની નીચે આવી ગયા છે, જેનાથી મોંઘવારીના મોરચે થોડી રાહત મળી છે.
નિષ્ણાતોના મતે, ખાસ કરીને અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓ બાદ વૈશ્વિક સ્તરે રાજદ્વારી વાતચીતનો દોર શરૂ થતાં તણાવ ઓછો થયો છે અને તેની સીધી હકારાત્મક અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી છે. અગાઉ કેટલાક અર્થશાસ્ત્રીઓએ આગામી બેઠકોમાં કુલ 0.75 ટકાથી 1 ટકા સુધીના તોતિંગ વધારાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ તેલના ભાવમાં નરમાશ આવ્યા બાદ હવે RBI ધીમી અને તબક્કાવાર ગતિએ આગળ વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે ઓક્ટોબર મહિનાની સમીક્ષા બેઠકમાં અંદાજે ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રથમ વખત રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. તે સમયે વધતી મોંઘવારી, રૂપિયાની નબળાઈ અને મોંઘા ક્રૂડ ઓઈલને ધ્યાનમાં રાખીને RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પોતાનું વલણ ‘તટસ્થ’ (Neutral) થી બદલીને તબક્કાવાર કડકાઈ તરફ વાળ્યું હતું અને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે નજીકના ભવિષ્યમાં વ્યાજ દરો ઘટવાની કોઈ શક્યતા નથી.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
