તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 22nd May 2026
રૂપિયા ૩,૦૦૦ કરોડના હીરા ગ્રુપ મહાકૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી : મુખ્ય આરોપી નૌશેરા શેખની હૈદરાબાદથી ધરપકડ
મોટા વળતરની લાલચ આપી હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર હીરા ગોલ્ડની મુખ્ય સૂત્રધાર સામે કેન્દ્રીય એજન્સીએ સકંજો કસ્યો : કરોડોની સંપત્તિ જપ્ત થવાની શક્યતા

હૈદરાબાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આર્થિક ગુનાખોરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં એક મોટી સફળતા મળી છે. અંદાજે રૂપિયા ૩,૦૦૦ કરોડના ચકચારી હીરા ગ્રુપ કૌભાંડની મુખ્ય સૂત્રધાર અને આરોપી નૌશેરા શેખની ઇડીના અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. હજારો નિર્દોષ રોકાણકારોને ઇસ્લામિક બેન્કિંગ અને સોનાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપીને છેતરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, નૌશેરા શેખે હીરા ગોલ્ડ અને તેની સંલગ્ન કંપનીઓ દ્વારા દેશભરમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. શરૂઆતના તબક્કામાં રોકાણકારોને નિયમિત નફો આપીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કરોડો રૂપિયા સકેલીને કંપની રાતોરાત ગાયબ થઈ ગઈ હતી. રોકાણકારોની વ્યાપક ફરિયાદો બાદ હૈદરાબાદ પોલીસ અને ત્યારબાદ ઇડીએ આ મામલે મની લોન્ડરિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીના અધિકારીઓએ લાંબી પૂછપરછ અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ નૌશેરા શેખની અટકાયત કરી છે. કોર્ટમાં રજૂ કરીને એજન્સી દ્વારા તેના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી આ આખી છેતરપિંડીમાં સામેલ અન્ય સહ-આરોપીઓ અને હવાલા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે. તપાસ દરમિયાન દેશ-વિદેશમાં કૌભાંડના નાણાં ક્યાં ટ્રાન્સફર કરાયા છે તેની પણ વિગતો મેળવવામાં આવશે.
આ મહાકૌભાંડમાં અગાઉ પણ નૌશેરા શેખની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા થઈ ચૂકી છે. આ ધરપકડ બાદ કૌભાંડનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય રોકાણકારોમાં પોતાના ફસાયેલા નાણાં પાછા મળવાની આશા ફરી જાગી છે. ઇડી આગામી દિવસોમાં આ કેસ સાથે જોડાયેલા અન્ય કેટલાક મોટા માથાઓ પર પણ ત્રાટકે તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
