<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

E20 પેટ્રોલથી માઈલેજ ઘટી શકે છે પરંતુ એન્જિન રહેશે સેફ: સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી - ઝીરો કે E10 પેટ્રોલ પર પાછા ફરવાનો કોઈ વિચાર નથી!

૩ થી ૫ ટકા માઈલેજ ઘટે તેવી શક્યતા વચ્ચે ૨૩ કરોડથી વધુ વાહનો સુરક્ષિત રીતે ચાલી રહ્યાનો દાવો: ઓટો ઈન્ડસ્ટ્રીના સર્વિસ ડેટા ટાંકીને મંત્રી સુરેશ ગોપીએ અફવાઓ ફગાવી

નવી દિલ્હી : દેશમાં E20 પેટ્રોલ (૨૦% ઈથેનોલ મિશ્રિત ઈંધણ) ને લઈને વાહનચાલકોમાં વધી રહેલી ચિંતાઓ અને અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબ આપતાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, જૂના વાહનોમાં E20 ઈંધણના ઉપયોગથી માઈલેજમાં ૩ થી ૫ ટકા સુધીનો મામૂલી ઘટાડો થઈ શકે છે, પરંતુ તેનાથી વાહનના એન્જિનને કોઈ મોટું નુકસાન કે વાહન બંધ પડી જવાનો (બ્રેકડાઉન) કોઈ પુરાવો મળ્યો નથી.

સરકારે ચોખ્ખા શબ્દોમાં જાહેર કર્યું છે કે દેશભરમાં હવે જૂના E0 કે E10 પેટ્રોલિયમ ગ્રેડ પર પાછા ફરવાની કોઈ યોજના નથી, કારણ કે અલગથી જૂના ઈંધણની સપ્લાય ચેઈન જાળવવાથી લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખૂબ વધી જશે.

હાઈ ઓક્ટેન અને વધુ બેટર પરફોર્મન્સના ફાયદા

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેમાં ઉચ્ચ ઓક્ટેન લેવલ હોવાને કારણે એન્જિન નોકિંગ (કઠણ અવાજ) ઓછું થાય છે. આ સિવાય વાહનમાં બેટર કમ્બશ્ચન (સરળ દહન) અને સ્મૂથ એક્સિલરેશન જેવા અનેક તકનીકી ફાયદાઓ પણ જોવા મળે છે.

સરકારના જણાવ્યા મુજબ, ભારતમાં ઈથેનોલ મિશ્રિત ઈંધણનો વ્યાપક ઉપયોગ ઘણા સમયથી થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશના વિવિધ માર્ગો પર ૨૦ કરોડથી વધુ ટૂ-વ્હીલર અને ૩ કરોડથી વધુ કાર E20 પેટ્રોલ પર સુરક્ષિત રીતે દોડી રહી છે.

વાહન ઉત્પાદકોના સર્વિસ ડેટાએ અફવાઓ પર વિરામ મૂક્યો

રાજ્યસભામાં સરકારે અગ્રણી કાર અને બાઈક ઉત્પાદકોના સર્વિસ રેકોર્ડ રજૂ કર્યા હતા. દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપનીએ ૨૦૨૫-૨૬ ના વર્ષ દરમિયાન ૨.૮૪ કરોડ વાહનોની સર્વિસ કરી હતી, જેમાં ૧.૫ કરોડ વાહનો એવા હતા જે E20 માટે પ્રમાણિત ન હતા. છતાં, ઈથેનોલના કારણે એન્જિન ખરાબ થવાની એક પણ ઘટના નોંધાઈ નથી.

સાથે જ ઓટોમોબાઈલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો E20 પેટ્રોલ ભરાવે તો પણ તેમની 'વાહન વોરંટી' (Vehicle Warranty) યથાવત અને સુરક્ષિત રહેશે. પ્રયોગશાળાના અભ્યાસ અને ફિલ્ડ ટ્રાયલ્સમાં મેટલ કે પ્લાસ્ટિકના પાર્ટ્સ ખરાબ થવાની કોઈ મોટી સમસ્યા સામે આવી નથી.

(8:52 PM IST)