News of Wednesday, 21st October 2026
'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા દરમિયાન પૂ. મોરારિબાપુએ વાઘા-અટારી સરહદની લીધી પ્રેરણાદાયી મુલાકાત : સરહદના પહેરેગીરોની શૌર્ય અને કૌશલ્ય ભરેલી કવાયત નિહાળી વ્યક્ત કર્યો અહોભાવ
રાષ્ટ્રસેવા અને સૈનિકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા પૂ. બાપુએ સેનાની કવાયતને બિરદાવી : જમ્મુમાં યોજાયેલી રામકથા દરમિયાન પણ વાઘા બોર્ડરની મુલાકાતનો વિશેષ ઉલ્લેખ કરાયો

શ્વરિયા : સમાજ સાથે અને સરહદના પહેરેગીરો સાથે પૂ. મોરારિબાપુ દ્વારા હંમેશાં સાતત્ય રખાતું રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં કન્યાકુમારીથી કેદારનાથ તરફ પ્રયાણ કરી રહેલી ઐતિહાસિક 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા દરમિયાન જોવા મળ્યું છે. આ કથાયાત્રા વેળાએ અમૃતસર પાસે આવેલી વાઘા-અટારી સરહદની મુલાકાત લઈને પૂ. બાપુએ દેશના વીર જવાનોની રાષ્ટ્રફરજ અને કવાયતને નિહાળી હતી.
પૂ. મોરારિબાપુ દ્વારા રામકથા માત્ર પ્રતિકાત્મક ન રહેતા નવા પરિમાણો સાથે સમાજને પ્રેરણા પૂરી પાડે તેવા સતત પ્રયાસો થતા રહ્યા છે. આ યાત્રા દરમિયાન જ્યારે કથાકારો અને રેલગાડી દ્વારા જોડાયેલા હજારો ભાવિક શ્રોતા-યાત્રિકોએ વાઘા બોર્ડરની મુલાકાત લીધી, ત્યારે સેનાના વિભાગો દ્વારા આયોજિત શૌર્ય અને કૌવત ભરેલી કવાયત જોઈને સૌએ અહોભાવ વ્યક્ત કર્યો હતો. સેનાના અધિકારીઓ દ્વારા પણ પૂ. બાપુની આ મુલાકાત વેળાએ વિશેષ રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સૈનિકો પ્રત્યે સંવેદના અને રાષ્ટ્રભક્તિનો સંદેશ:
સરહદ પર કે દેશમાં સર્જાતી દુર્ઘટનાઓમાં શહીદ થનાર કે જીવ ગુમાવનાર સૈનિકોને પૂ. મોરારિબાપુ દ્વારા હંમેશાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે, તેમજ તેમના વારસદારોને સંવેદના સહાય પણ અર્પણ કરવામાં આવતી હોય છે. આ પ્રકારના સેવાકીય ઉપક્રમો દેશ અને દુનિયામાં અગાઉ પણ યોજાયા છે. વાઘા બોર્ડર પર સૈનિકોની રાષ્ટ્રસેવા અને ચોકી પરની કવાયત નિહાળ્યા બાદ પૂ. બાપુએ વંદના વ્યક્ત કરી હતી, જેનો વિશેષ ઉલ્લેખ જમ્મુ મુકામે યોજાયેલી રામકથાના પ્રારંભે પણ કરવામાં આવ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
