News of Monday, 28th September 2026
ડીઆરઆઈનો દેશવ્યાપી મોટો ધમાકો: કુરિયર સર્વિસ દ્વારા ચાલતા ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ, ₹૧૦.૩૬ કરોડના સોના સાથે ૧૧ શાતિર આરોપીઓ ઝડપાયા!
ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડરથી કુરિયર દ્વારા મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને કોલકાતામાં થતું હતું સોનાનું સપ્લાય: વર્ષ ૨૦૨૬માં જ ₹૪૭૫ કરોડનું ૩૧૮ કિલો સોનું ઘુસાડ્યાનો ચોંકાવનારો ખુલાસો.

નવી દિલ્હી : દેશમાં કુરિયર નેટવર્કનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સોનાની તસ્કરી કરતા એક મોટા પાન-ઇન્ડિયા ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટનો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા એક વિશાળ ઓપરેશન દરમિયાન ડીઆરઆઈની ટીમે રૂ. ૧૦.૩૬ કરોડની કિંમતનું ૬.૬૧ કિલો વિદેશી માર્કિંગ ધરાવતું સોનું જપ્ત કર્યું છે અને માસ્ટરમાઇન્ડ સહિત ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે.
નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સ્મગલિંગ નેટવર્ક પશ્ચિમ બંગાળ અને અસમની ઇન્ડો-બાંગ્લાદેશ સરહદેથી સોનાની ઘૂસણખોરી કરાવતું હતું. ત્યારબાદ આ સોનાને નાની-નાની કુરિયર કન્સાઇનમેન્ટમાં વહેંચીને મુંબઈ, દિલ્હી, અમદાવાદ, કોલકાતા અને ગુવાહાટી જેવા મોટા શહેરોના બજારોમાં મોકલવામાં આવતું હતું. ડીઆરઆઈની ટીમે ગુવાહાટી અને કોલકાતાથી બુક થયેલા લાઈવ કુરિયર પાર્સલ અટકાવીને સોનું જપ્ત કર્યું હતું, જે મુંબઈ, દિલ્હી અને અમદાવાદ ડિલિવરી માટે જઈ રહ્યું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કુરિયર મોકલનાર અને મેળવનાર બંને બોગસ (પેપર) કંપનીઓ અથવા વ્યક્તિઓના નામે વ્યવહારો કરતા હતા, જેથી કાયદેસર ગોલ્ડ ટ્રેડિંગનું નાટક કરી શકાય. પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ સિન્ડિકેટે વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૯ મહિનામાં જ કુરિયર નેટવર્ક દ્વારા રૂ. ૪૭૫ કરોડની કિંમતનું આશરે ૩૧૮ કિલો બિનઅધિકૃત સોનું દેશભરમાં સપ્લાય કરી દીધું હતું. હાલમાં ડીઆરઆઈ દ્વારા આ નેટવર્કના અન્ય સભ્યો અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
