<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

અમારો સમય બગાડો નહીઃ CJP માર્ચમાં પોલીસ કાર્યવાહીની અરજી પર સુપ્રીમ કોર્ટનો તાત્‍કાલિક સુનાવણીનો ઇનકાર

સુપ્રીમ કોર્ટે વીડિયો પુરાવા જોવાની પાડી નાઃ CJI સૂર્યકાંતે સખત વલણ અપનાવી અરજી ફગાવી

નવી દિલ્‍હી, તા.૨૨: દેશમાં NEET પેપર લીક મુદ્દે સળગેલી આંદોલનની જ્‍વાળા હવે ઉચ્‍ચ ન્‍યાયતંત્ર સુધી પહોંચી છે, પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી અરજદારોને મોટો આંચકો લાગ્‍યો છે.

CJP (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા આયોજિત સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ અને બર્બરતા વિરૂદ્ધ દાખલ કરાયેલી અરજી પર તાત્‍કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતે અત્‍યંત કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, અમારો કિંમતી સમય બગાડો નહીં. જ્‍યારે અરજદારના વકીલે પોલીસ કાર્યવાહીના વીડિયો પુરાવા હોવાની રજૂઆત કરી, ત્‍યારે સીજેઆઈએ સ્‍પષ્ટ શબ્‍દોમાં સંભળાવી દીધું કે, અમને વીડિયોમાં કોઈ રસ નથી અને અમારી પાસે તે જોવાનો સમય પણ નથી.

દિલ્‍હીના ઐતિહાસિક જંતર-મંતર પર NEET અને અન્‍ય સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના પેપર લીક સામે CJP દ્વારા લાંબા સમયથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં સોનમ વાંગચુક જેવા અગ્રણી ચહેરાઓ પણ ભૂખ હડતાળ પર બેઠા હતા. શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનના રાજીનામા, પરીક્ષા પદ્ધતિમાં પારદર્શક સુધારા અને પીડિત વિદ્યાર્થીઓના પરિવારોને વળતરની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલુ હતું. જોકે, આંદોલનકારીઓએ જ્‍યારે જંતર-મંતરથી સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્‍યારે સ્‍થિતિ બેકાબૂ બની ગઈ હતી. સુરક્ષા કોર્ડન તોડવાના પ્રયાસો વચ્‍ચે પોલીસે આંદોલનકારીઓને રોકવા માટે હળવો બળપ્રયોગ અને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

પોલીસની આ કડક કાર્યવાહી બાદ દેશનું રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષી નેતાઓએ મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ડિમ્‍પલ યાદવ તેમજ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં શેરીઓમાં ઉતરી આવ્‍યા હતા. વિપક્ષી નેતાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્‍ચાર કરીને પોલીસ કાર્યવાહીની ભારે નિંદા કરી હતી. અગાઉ દિલ્‍હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે સાંસદ ચંદ્રશેખર અને તેમના સમર્થકો પર પણ ગંભીર આરોપો લાગ્‍યા હતા. એક તરફ સુપ્રીમ કોર્ટે તાત્‍કાલિક હસ્‍તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે, તો બીજી તરફ આ મુદ્દો રાજકીય અને સામાજિક સ્‍તરે વધુ હિંસક અને જટિલ બનતો જઈ રહ્યો છે

(3:04 PM IST)