News of Sunday, 4th October 2026
ચૂંટણી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવ; ૨૦ મિલિયન વરિષ્ઠ નાગરિકોને અપાશે ૧૦૦ ડૉલરના ચેક
વ્હાઇટ હાઉસ દ્વારા મેડિકેર ફંડમાંથી નાણાકીય સહાય આપવાની જાહેરાત, ડિજિટલ ટ્રાન્સફર કે ચેક દ્વારા સીધા ખાતામાં જમા થશે રકમ

વોશિંગ્ટન : ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે મફત ભેટો વહેંચવાનો ટ્રેન્ડ યુએસમાં પણ શરૂ થઈ ગયો છે, અને મધ્યસત્ર ચૂંટણી પહેલા આ પહેલ શરૂ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ૨૦ મિલિયન વરિષ્ઠ નાગરિકોને આશરે ૧૦૦ ડૉલરના દરેકના ચેકનું વિતરણ કરશે. વ્હાઇટ હાઉસે પોતાની વેબસાઇટ પર આ યોજનાની વિગતો પોસ્ટ કરી છે, જેના અનુસાર નાણાકીય સહાય માટે પાત્ર મોટાભાગના વરિષ્ઠ નાગરિકોને આગામી દિવસોમાં તેમના બેંક ખાતામાં આશરે ૯૦ ડૉલર પ્રાપ્ત થશે.
જેમના બેંક ખાતાની વિગતો મળી શકતી નથી અથવા જેઓ ડિપોઝિટ મેળવવા માંગતા નથી, તેમના નિવાસસ્થાને આ રકમ ધરાવતા ચેક મોકલવામાં આવશે, જ્યારે કેટલાક અન્ય લાભાર્થીઓને પૂરા ૧૦૦ ડૉલર પણ પ્રાપ્ત થશે. આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંદેશ શેર કરતા જણાવ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર ટૂંક સમયમાં ૨૦ મિલિયનથી વધુ વરિષ્ઠ નાગરિકોને આ રકમ મોકલશે જેથી તેઓ તેમના બીજા મેડિકેર હપ્તા ચૂકવવા સક્ષમ બની શકે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સહાય માટે જરૂરી ભંડોળ મેડિકેર ઇમ્પ્રૂવમેન્ટ ફંડમાંથી પૂરું પાડવામાં આવશે, જે અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના કાયદા નિર્માતાઓ દ્વારા અન્યત્ર ફાળવવામાં આવ્યું હતું, પરંતુ હવે વર્તમાન વહીવટીતંત્ર દ્વારા આ નાણાં યોગ્ય અને જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોમાં વહેંચવામાં આવી રહ્યા છે.
અગાઉ પણ અમેરિકી રાજકારણમાં ચૂંટણી ટાણે નાગરિકોને રીઝવવા માટે આવી આર્થિક રાહતો અને જાહેરાતો કરવાની પરંપરા રહી છે, ત્યારે આ પગલાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. આગામી સમયમાં આ સહાયનું વિતરણ પૂર્ણ થયા બાદ યુએસની ચૂંટણી પર તેની શી અસર પડે છે અને વિરોધ પક્ષ દ્વારા આ મામલે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
