<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ઈરાન ઓપરેશન બાદ અમેરિકા ક્યુબા પર 'તત્કાલ' કબજો કરશે તેવી ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી : ફ્લોરિડામાં આપેલા નિવેદનથી વિશ્વભરમાં ખળભળાટ: જુઓ વિડીયો

વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકનને ક્યુબાના કિનારે તૈનાત કરી શરણાગતિ સ્વીકારવા મજબૂર કરવાની રણનીતિ : નવા કડક પ્રતિબંધો અને માનવાધિકાર ઉલ્લંઘન મુદ્દે ક્યુબન અધિકારીઓ પર ટ્રમ્પ વહીવટીતંત્રની લાલ આંખ

વોશિંગ્ટન:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફ્લોરિડાના પામ બીચમાં ફોરમ ક્લબ દ્વારા આયોજિત એક ખાનગી રાત્રિભોજન દરમિયાન અત્યંત સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે, ઈરાનમાં ચાલી રહેલા સૈન્ય ઓપરેશન પૂર્ણ થયા બાદ અમેરિકા લગભગ તત્કાલ પ્રભાવથી ક્યુબા પર કબજો કરી લેશે. ટ્રમ્પે અમેરિકી નૌકાદળની તાકાતનો ઉલ્લેખ કરતા એક એવી પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું જેમાં યુએસ નેવીનું વિશાળ એરક્રાફ્ટ કેરિયર ક્યુબાના કિનારે તૈનાત કરવામાં આવશે.

 

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "ઈરાનથી પરત ફરતી વખતે અમે અમારું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન ક્યુબાના દરિયાકિનારે માત્ર 100 યાર્ડ દૂર ઉભું રાખીશું. આ જોઈને જ તેઓ કહી દેશે કે અમે હાર માનીએ છીએ અને તમારો આભાર." ટ્રમ્પના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ બની છે. આ નિવેદનના એક દિવસ પહેલા જ ટ્રમ્પે ક્યુબા વિરુદ્ધ એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ક્યુબાના ઉર્જા, સંરક્ષણ, ખાણકામ, નાણાં અને સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રો પર કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

 

આ નવા પ્રતિબંધો માત્ર ક્યુબન સંસ્થાઓ જ નહીં, પરંતુ તેમની સાથે વ્યવહાર કરનાર વિદેશી નાણાકીય સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પણ લાગુ થશે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર અને માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ ધરાવતા ક્યુબન અધિકારીઓના અમેરિકામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસનું માનવું છે કે આ 'મેક્સિમમ પ્રેશર' એટલે કે મહત્તમ દબાણની નીતિ દ્વારા હવાનામાં રાજકીય અને આર્થિક સુધારા લાવી શકાશે.

 

બીજી તરફ, ક્યુબાએ અમેરિકાના આ પગલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. ક્યુબાના વિદેશ પ્રધાન બ્રુનો રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, અમેરિકાના આ પગલાં સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન છે. તેમણે ઉમેર્યું કે જ્યારે અમેરિકા તેના પોતાના લોકોનું દમન કરી રહ્યું છે, ત્યારે તે ક્યુબાના એવા લોકો પર પ્રતિબંધો લાદી રહ્યું છે જેઓ બહાદુરીપૂર્વક સામ્રાજ્યવાદનો સામનો કરી રહ્યા છે. ક્યુબાના મતે અમેરિકા પાસે અન્ય દેશો કે સંસ્થાઓ પર આવા જબરદસ્તીભર્યા પગલાં લેવાનો કોઈ અધિકાર નથી. હાલમાં તેલ પુરવઠામાં વિક્ષેપ અને જૂના વ્યાપારી પ્રતિબંધોને કારણે ક્યુબા પહેલેથી જ ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.

(5:41 PM IST)