News of Wednesday, 24th June 2026
શું તમારો પાસપોર્ટ કે આધાર કાર્ડ તમને સાચા ભારતીય સાબિત કરે છે? વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો, જાણો નાગરિકતાના કાયદાઓ
પાસપોર્ટ માત્ર વિદેશ જવા માટેનો 'ટ્રાવેલ ડોક્યુમેન્ટ' છે, નાગરિકતાનો અંતિમ પુરાવો નહીં; પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારે લોકોની મોટી ગેરસમજ દૂર કરી

નવી દિલ્હી : જ્યારે પણ તમને કોઈ પૂછે કે બીજા દેશમાં મુસાફરી કરતી વખતે તમારી ભારતીય નાગરિકતાનો સૌથી મોટો પુરાવો કયો છે? તો કદાચ તમારો અને મોટાભાગના લોકોનો જવાબ 'પાસપોર્ટ' જ હશે. પરંતુ, હવે કેન્દ્ર સરકારે આ મોટી ગેરસમજને દૂર કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાસપોર્ટ એ કોઈ પણ વ્યક્તિની નાગરિકતાનો નક્કર પુરાવો નથી. પાસપોર્ટ માત્ર એક મુસાફરી દસ્તાવેજ (Travel Document) છે, જેનો મુખ્ય હેતુ વિદેશ યાત્રાને સરળ બનાવવાનો છે. તેને નાગરિકતાના અંતિમ પ્રમાણપત્ર તરીકે ગણી શકાય નહીં.
તાજેતરમાં જ 'પાસપોર્ટ સેવા દિવસ' નિમિત્તે યોજાયેલી એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. મંત્રાલયે કહ્યું કે સરકાર મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીને આસાન બનાવવા માટે પાસપોર્ટ જારી કરે છે. તેનો અર્થ એ નથી કે માત્ર પાસપોર્ટ હોવાથી તમે ભારતીય નાગરિક સાબિત થઈ જાવ છો.
આધાર કાર્ડ અને વોટર આઈડી પણ માત્ર 'ઓળખપત્ર'
જોકે, સરકારના આ નિવેદનથી લોકોમાં થોડી મૂંઝવણ પણ ઊભી થઈ છે, કારણ કે નિયમ મુજબ ભારત સરકાર માત્ર પોતાના નાગરિકોને જ પાસપોર્ટ જારી કરે છે. નોંધનીય છે કે, નાગરિકતાના પુરાવાને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી ભારે અસમંજસ ચાલી રહી છે.
જ્યારે દેશમાં આધાર કાર્ડ કાઢવાની શરૂઆત થઈ, ત્યારે શરૂઆતમાં એવો દાવો કરવામાં આવતો હતો કે તે નાગરિકતાનો પુરાવો બનશે. પરંતુ બાદમાં દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) એ સ્પષ્ટતા કરી હતી કે આધાર કાર્ડ એ માત્ર એક ઓળખનો દસ્તાવેજ (Identity Proof) છે, ભારતીય નાગરિકતાનો પુરાવો નહીં. આ ઉપરાંત, આ જ વર્ષે જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે મતદાર યાદી (Voter ID) અંગે પણ સુનાવણી દરમિયાન આવી જ મહત્વની ટિપ્પણી કરી હતી.
તો પછી ભારતીય નાગરિકતા માટેના અસલી નિયમો શું છે?
ભારતીય નાગરિકતા કાયદા (Indian Citizenship Act) હેઠળ અમુક ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે, જે વ્યક્તિની નાગરિકતા નક્કી કરે છે:
· 1950 થી 1987 વચ્ચેનો જન્મ: જો કોઈ વ્યક્તિનો જન્મ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અથવા તે પછી, પરંતુ 1 જુલાઈ, 1987 પહેલાં ભારતમાં થયો હોય, તો તેને જન્મથી જ ભારતીય નાગરિક ગણવામાં આવે છે.
· 1987 પછીનો જન્મ: જો કોઈનો જન્મ 1 જુલાઈ 1987 પછી થયો હોય, તો તેમના માતા-પિતામાંથી કોઈ એક ભારતીય હોવું જરૂરી છે અને બીજું કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ (ઘૂસણખોર) ન હોવું જોઈએ.
· 2004 પછીનો જન્મ: 3 ડિસેમ્બર, 2004 ના રોજ અથવા તે પછી જન્મેલા લોકોના કિસ્સામાં, જો માતા-પિતા બંને ભારતીય નાગરિક હોય અથવા એક ભારતીય હોય અને બીજો ગેરકાયદેસર શરણાર્થી ન હોય, તો જ તેઓ જન્મથી નાગરિકતાનો દાવો કરી શકે છે.
આ ઉપરાંત, સરકારે તાજેતરમાં નવો નાગરિકતા કાયદો (CAA) પણ અમલમાં મૂક્યો છે. આ કાયદા હેઠળ વર્ષ 2014 સુધી પાડોશી દેશો—અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ—માંથી ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
