<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

શું તમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા છે?”:જાણો તુકારામ મુંઢે આગવી શૈલીમાં સવાલનો શું જવાબ આપ્યો?

પુણેના યુથ ફેસ્ટિવલમાં યુવાનો સાથે સંવાદ દરમિયાન એક યુવકે તેમને એવો સવાલ પૂછ્યો કે સૌની નજર તેમના જવાબ પર ટકેલી રહી.

પુણે:  મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) ના કમિશનર તુકારામ મુંઢે પોતાના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા છે. પુણેના યુથ ફેસ્ટિવલમાં યુવાનો સાથે સંવાદ દરમિયાન એક યુવકે તેમને એવો સવાલ પૂછ્યો કે સૌની નજર તેમના જવાબ પર ટકેલી રહી. યુવકે સીધું જ પૂછ્યું, “શું તમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા છે?” હવે આ સવાલનો તુકારામ મુંઢેએ શું જવાબ આપ્યો? શું તેમણે મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરી કે પછી પોતાની આગવી શૈલીમાં સવાલનો જવાબ આપ્યો? તેમનો જવાબ હતો, “હું કલ્પનાઓની યાદીમાં નહીં, વાસ્તવિકતામાં જીવું છું.”

મુંઢેએ સમજાવ્યું કે તેઓ એક લોકસેવક છે અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવામાં માને છે. ભવિષ્યમાં શું બનવું છે તેની યાદી બનાવવાને બદલે વર્તમાનમાં મળેલી જવાબદારી યોગ્ય રીતે નિભાવવી વધુ મહત્ત્વની છે. વર્ષ 2016માં તેઓ સોલાપુરના જિલ્લા કલેક્ટર પદેથી નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર બન્યા હતા. તે સમયે તેમને ભવિષ્યમાં એફડીએ કમિશનર બનવાની કલ્પના પણ નહોતી, કારણ કે તે વિભાગની કામગીરી વિશે તેમને જાણકારી નહોતી. આ ઉદાહરણ આપીને તેમણે યુવાનોને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંદેશ આપ્યો હતો.

આ સંવાદ દરમિયાન મુંઢેએ એફડીએની કામગીરીમાં થયેલા સુધારા અંગે પણ માહિતી આપી હતી. અગાઉ ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરીક્ષણના અહેવાલ આવવામાં 30 દિવસથી છ મહિના સુધીનો સમય લાગતો હતો. હવે આ સમય ઘટાડીને લગભગ 20 દિવસ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તેને 14 દિવસ સુધી લાવવાનું લક્ષ્ય છે. આ માટે વિભાગમાં માનવબળ અને સાધનસામગ્રી વધારવામાં આવી રહી છે.

હેલ્થ સપ્લિમેન્ટના નામે થતા ભ્રામક દાવાઓ સામે પણ તેમણે કડક ચેતવણી આપી હતી. કેટલાક ઉત્પાદનોના સેવનથી સ્નાયુઓ વધશે અથવા શરીર વધુ મજબૂત બનશે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ આવા દાવાઓને કાયદાકીય માન્યતા નથી. જિમ, ફાર્મસી, પ્રોટીન વેચનાર કે કંપનીઓ દ્વારા આવા દાવા કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

મુંઢેએ જિમમાં સપ્લિમેન્ટ વેચતા લોકોને પણ ચેતવણી આપી હતી કે માત્ર એફએસએસએસઆઈનું લાઇસન્સ હોવું પૂરતું નથી. ઉત્પાદનની ગુણવત્તા, લેબલિંગ અને તેના વિશે કરવામાં આવતા દાવાઓની જવાબદારી વેચનારની પણ છે. ઉત્પાદકે પ્રોડક્ટ આપી છે એટલે અમે વેચીએ છીએ, એવો બચાવ સ્વીકારવામાં નહીં આવે. ખોટી બ્રાન્ડ, ભ્રામક જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્રભાવકો દ્વારા કરવામાં આવતા ખોટા દાવાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.

(11:22 PM IST)