<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વંદે ભારત ટ્રેનોમાં ગંદકીનું ગ્રહણ: અઢી મહિનામાં ૫૦૦ થી વધુ ફરિયાદોથી રેલવે પ્રશાસન દોડતું થયું

સેમી-હાઈ સ્પીડ અને પ્રીમિયમ સુવિધાઓનો દાવો કરતી દેશની સૌથી આધુનિક ટ્રેનમાં મુસાફરોએ સ્વચ્છતા : પાણીની તંગી અને ખરાબ કેટરિંગ અંગે નોંધાવ્યો ભારે વિરોધ

નવી દિલ્હી: દેશની સૌથી આધુનિક અને હાઈ-સ્પીડ ગણાતી વંદે ભારત ટ્રેનોમાં હવે સ્વચ્છતા અને જાળવણી એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પ્રીમિયમ ભાડું ચૂકવવા છતાં મુસાફરોને અન્ય સામાન્ય ટ્રેનોની જેમ જ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, ૧ એપ્રિલથી ૨૧ જૂન, ૨૦૨૬ ના અઢી મહિનાના ટૂંકા ગાળામાં જ ઉત્તર રેલ્વેની વંદે ભારત ટ્રેનો વિરુદ્ધ કુલ ૫૩૭ ફરિયાદો નોંધાઈ છે, જે આ વૈભવી ટ્રેનની સેવાઓ સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરે છે.

આ આંકડાઓનું વિશ્લેષણ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કુલ ફરિયાદોમાંથી સૌથી વધુ ૩૨૭ ફરિયાદો માત્ર ટ્રેનની અંદરની ગંદકી અને અસ્વચ્છતા અંગેની છે. આ ઉપરાંત મુસાફરોએ જાળવણી સંબંધિત ૧૩૩, પાણીની તંગી અંગે ૨૧, નબળા કેટરિંગની ૧૫ અને ઇલેક્ટ્રિકલ સાધનોની ખામી અંગે ૧૩ ફરિયાદો નોંધાવી છે. એટલું જ નહીં, ટ્રેનમાં બેડરોલની અછત, સુરક્ષા ખામી અને રેલવે સ્ટાફના અણછાજતા વર્તનને લઈને પણ મુસાફરોએ પોતાનો રોષ ઠાલવ્યો છે.

વિભાગવાર વિગતો જોઈએ તો દિલ્હી ડિવિઝનની વંદે ભારત ટ્રેનો સૌથી ખરાબ સ્થિતિમાં છે, જ્યાં સૌથી વધુ ૨૫૦ ફરિયાદો નોંધાઈ છે. ત્યારબાદ જમ્મુ ડિવિઝનમાં ૧૫૦, લખનૌમાં ૯૭, ફિરોઝપુરમાં ૩૦ અને મુરાદાબાદ ડિવિઝનમાં ૧૦ ફરિયાદો સામે આવી છે. ભ્રષ્ટાચાર અને સમયપાલન જેવા ગંભીર મુદ્દાઓ પર પણ મુસાફરોએ પ્રશ્નો ઉઠાવતા હવે રેલવે વિભાગ આ પ્રીમિયમ ટ્રેનની શાખ બચાવવા માટે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે.

(9:56 PM IST)