<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

શું સેક્‍સ પાવરની ગોળીથી થયું મોત? સોફટવેર એન્‍જિનિયરની ડેથ મિસ્‍ટ્રી૨૭ વર્ષીય સોફટવેર એન્‍જિનિયર પી. રાધા ગાયત્રીનું ઉત્તરાખંડની મસૂરી હોટલમાં થયેલું મોત હજી રહસ્‍ય જ છે

નોકરીના કારણે સમય ન મળ્‍ચો હોવાથી મહિનાઓ પછી હનીમૂન ટ્રીપ પ્‍લાન કરી હતી

ગુરુગ્રામ,તા.૧૯: હરિયાણાના ગુરુગ્રામની ૨૭ વર્ષીય સોફટવેર એન્‍જિનિયર પી. રાધા ગાયત્રીનું ઉત્તરાખંડની મસૂરી હોટલમાં થયેલું મોત હજી એક રહસ્‍ય જ છે. લગ્નને આઠ મહિના વીતી ચૂક્‍યા હતા, પરંતુ બંનેની વ્‍યસ્‍ત કોર્પોરેટ લાઈફના કારણે સાથે સમય વિતાવવા માટે લાંબો સમય નહોતો મળી રહ્યો. આવા સમયે આ કપલે પહેલીવાર વીકેન્‍ડ સાથે કેટલીક વધારાની રજાઓ લઈને હનીમૂન ટ્રિપ પ્‍લાન કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, પરિવાર સાથેની વાતચીતના આધારે પોલીસને ઘણી બાબતો જાણવા મળી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, ગાયત્રી અને તેના પતિ સૌમ્‍ય શ્રીચરણના લગ્ન ૮ નવેમ્‍બર, ૨૦૨૫ના રોજ ધામધૂમથી થયા હતા. બંને પ્રતિષ્ઠિત પરિવારોમાંથી હતા અને IT સેક્‍ટરમાં ઊંચા હોદ્દા પર કાર્યરત હતા. લગ્ન પછી કામની વ્‍યસ્‍તતા વચ્‍ચે આ પહેલી એવી તક હતી જ્‍યારે બંનેએ કામના તણાવથી દૂર, પહાડોની વચ્‍ચે સમય વિતાવવાનું વિચાર્યું હતું. શનિવારે રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્‍યે તેઓ દિલ્‍હીથી ઋષિકેશ થઈને મસૂરી પાસે ટિપરી ધાર સ્‍થિત 'કિયાના હોમસ્‍ટે' પહોંચ્‍યા હતા. તેમણે હોમસ્‍ટેનો સૌથી સુંદર રૂમ 'બ્‍લિસ' બુક કર્યો હતો. રવિવારનો આખો દિવસ ખીણોની મજા માણ્‍યા પછી, રાત્રે બંનેએ આ વેકેશનને સેલિબ્રેટ કરવા માટે રૂમમાં જ પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેમને ખબર ન હતી કે આ વેકેશન ગાયત્રીનું છેલ્‍લું વેકેશન બની જશે.

મૂળ વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)ની રહેવાસી પી. રાધા ગાયત્રી અને તેના પતિ સૌમ્‍ય શ્રીચરણ હાલમાં દિલ્‍હીમાં ડી-૨, ટાવર-૧૩, કિદવઈ નગર ઈસ્‍ટમાં રહેતા હતા. બંને આઈટી પ્રોફેશનલ હતા. રાધા ગુરુગ્રામમાં એક કંપનીમાં સોફટવેર એન્‍જિનિયર હતી, જ્‍યારે પતિ સૌમ્‍ય શ્રીચરણ મહારાષ્ટ્રના પુણેની એક આઈટી કંપનીમાં કામ કરતો હતો. પરિવારના જણાવ્‍યા અનુસાર, લગ્ન થયાના તરત જ બાદ બંને પોતાના શહેરોમાં નોકરી પર પરત ફર્યા હતા. પોલીસના જણાવ્‍યા અનુસાર, બંને ત્રણ દિવસ પહેલા એટલે કે ૧૩ જૂને દિલ્‍હીથી ઉત્તરાખંડ ફરવા માટે નીકળ્‍યા હતા. બંનેએ પહાડોમાં ક્‍વોલિટી ટાઈમ વિતાવવાનો પ્‍લાન બનાવ્‍યો હતો. આ માટે ઋષિકેશમાં થોડો સમય વિતાવ્‍યા બાદ, તેઓ ૧૪ જૂનની રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્‍યે મસૂરી-ધનૌલ્‍ટી માર્ગ પર સ્‍થિત ટિપરીધાર વિસ્‍તારના એક હોમસ્‍ટેમાં આવીને રોકાયા હતા. તેમણે હોમસ્‍ટેનો સૌથી સુંદર રૂમ 'બ્‍લિસ' બુક કર્યો હતો.

પતિ સૌમ્‍યએ પોલીસને આપેલા નિવેદન મુજબ, રાત્રે બંનેએ મ્‍યુઝિક વચ્‍ચે હેવી ડ્રિક કર્યું હતું. રાત્રે લગભગ ૩:૩૦ વાગ્‍યે જ્‍યારે નશો અને થાક બંને ચરમસીમાએ હતા, ત્‍યારે બંને સૂઈ ગયા હતા. સવારે લગભગ ૭:૩૦ વાગ્‍યે જ્‍યારે તેની આંખ ખૂલી, ત્‍યારે રૂમનો નજારો સાવ અલગ અને ભયાનક હતો. બેડની નીચે ગાયત્રી બેભાન અવસ્‍થામાં પડી હતી. તેના નાક અને મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું, નજીકમાં બેડશીટ પર લોહીના ડાઘ હતા અને ફલોર પર યુરિન ફેલાયેલું હતું.

પત્‍નીને આ હાલતમાં જોઈને સૌમ્‍ય શ્રીચરણ ગભરાઈ ગયો અને જોરજોરથી ચીસો પાડવા લાગ્‍યો હતો. અવાજ સાંભળીને હોમસ્‍ટેના કર્મચારીઓ મદદ માટે દોડી આવ્‍યા અને મામલો જાણીને તરત જ સ્‍થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ મસૂરી પોલીસ અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. એમ્‍બ્‍યુલન્‍સમાં હાજર ફાર્માસિસ્‍ટ તપાસ બાદ મહિલાને ઘટનાસ્‍થળે જ મૃત જાહેર કરી હતી. ફિલ્‍ડ યુનિટ અને ફોરેન્‍સિક ટીમે મામલાની ગંભીરતાને જોઈને આખા ઘટનાસ્‍થળની બારીકાઈથી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી હતી અને જરૂરી પુરાવા તથા સેમ્‍પલ પોતાના કબજામાં લીધા હતા.

મસૂરી સીઓ જગદીશ પંતના જણાવ્‍યા અનુસાર, ગાયત્રી ડેથ મિસ્‍ટ્રીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દેહરાદૂનથી આવેલી ફોરેન્‍સિક ટીમને તપાસ દરમિયાન રૂમમાંથી દારૂની બે ખાલી બોટલો સાથે સેક્‍સ પાવર વધારવાની દવાઓના ખાલી રેપર મળ્‍યા હતા. પતિએ પણ કબૂલ્‍યું છે કે પાર્ટી દરમિયાન દારૂ સાથે તેમણે આ દવાનું સેવન કર્યું હતું. સૂત્રો અને ડોક્‍ટરોના પ્રારંભિક અંદાજ મુજબ, અતિશય દારૂના સેવન સાથે સેક્‍સ પાવર વધારવાની દવા લેવાને કારણે મહિલાનું બ્‍લડ પ્રેશર અચાનક ખૂબ હાઈ થઈ ગયું હતું. આ હેવી ડોઝના કારણે ગાયત્રીનું બ્‍લડ પ્રેશર અચાનક એટલું વધી ગયું કે તેમને 'સાયલન્‍ટ બ્રેઈન હેમરેજ' થઈ ગયું અને ઘટનાસ્‍થળે જ તેમનું મોત નીપજ્‍યું. મસૂરી સીઓના જણાવ્‍યા અનુસાર, પોલીસને પણ આશંકા છે કે અતિશય આલ્‍કોહોલ સાથે આ દવાઓનું કોમ્‍બિનેશન જીવલેણ સાબિત થયું છે. મંગળવારે કોરોનેશન હોસ્‍પિટલ, દેહરાદૂન ખાતે પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું છે, જેની વીડિયોગ્રાફી પણ કરાવાઈ છે. ડોક્‍ટરોની વિશેષ પેનલે આ મામલાની તપાસ કરી છે. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ જ તેના મોતના સાચા કારણો સ્‍પષ્ટ થઈ શકશે. હાલમાં પરિવાર તરફથી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસ દરેક પાસાને ધ્‍યાનમાં રાખીને મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.

(3:02 PM IST)