News of Wednesday, 18th November 2026
ક્ષયતિથિના સંયોગ વચ્ચે બે દિવસ દેવઊઠી એકાદશી
શુક્રવારે સ્માર્ત તો શનિવારે વૈષ્ણવ એકાદશી, મંદિર અને ધાર્મિક મંડળોમાં તુલસી વિવાહની તડામાર તૈયારીઓ શરૂ : શનિવારથી મંદિરોમાં શાલિગ્રામ-તુલસી વિવાહના પ્રસંગોનો પ્રારંભ, ૨૪મીએ દેવદિવાળી

નવી દિલ્હી,તા.૧૮: હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવતી દેવઊઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીની ઉજવણીને લઈને આ વખતે તિથિના સંયોગને કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. એકાદશી શુક્રવારે કે શનિવારે, તે અંગે બે મત પ્રવર્તી રહ્યા છે. જ્યોતિષીઓના મત મુજબ, કારતક સુદ એકાદશીની ક્ષય તિથિના કારણે શુક્રવારે સ્માર્ત સંપ્રદાય અને શનિવારે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા એકાદશીની ઉજવણી કરવામાં આવશે. જોકે, વૈષ્ણવ સંપ્રદાયમાં દેવઊઠી એકાદશીનું વિશેષ મહત્ત્વ હોવાથી શનિવારે મંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજનો થશે. આ સાથે જ તુલસી વિવાહના પ્રસંગોનો પણ પ્રારંભ થશે.
હિન્દુ પંચાંગ અનુસાર દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના ચાર મહિનાના ચાતુર્માસ દરમિયાન લગ્ન સહિતનાં માંગલિક કાર્યો પર વિરામ રહે છે. આ ચાર મહિનાના યોગનિદ્રા કાળ બાદ ભગવાન વિષ્ણુ જાગૃત થતા હોવાનું ધાર્મિક માન્યતામાં મહત્ત્વ છે. દેવઊઠી એકાદશી સાથે જ ચાતુર્માસનું સમાપન થતાં લગ્ન સહિતનાં શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. ચાલુ વર્ષે કારતક સુદ એકાદશીની ક્ષય તિથિ હોવાથી ધાર્મિક પ્રસંગોની ઉજવણી બે દિવસમાં વહેંચાઈ છે. શુક્રવારે પ્રબોધિની એકાદશી (સ્માર્ત) અને ભીષ્મ પંચક વ્રતનો પ્રારંભ થશે. જ્યારે શનિવારે પ્રબોધિની એકાદશી (વૈષ્ણવ), તુલસી વિવાહનો પ્રારંભ, પ્રબોધોત્સવ તેમજ ચાતુર્માસનાં ધારણાં-પારણાંની સમાપ્તિ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાશે.
શનિવારથી શહેરનાં વિવિધ મંદિરોમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના વિવાહનું આયોજન કરવામાં આવશે. ધાર્મિક પરંપરા મુજબ, ભગવાન વિષ્ણુની જાગૃતિ બાદ તુલસી વિવાહ યોજાય છે. આ પ્રસંગને લગ્નસરાની મોસમના પ્રારંભના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. મંદિરોમાં ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓ સાથે તુલસી વિવાહની ઉજવણી થશે, જેનો ૨૪ નવેમ્બરે દેવદિવાળીના પર્વે સમાપન થશે.
દેવદિવાળીએ દેવતાઓના આગમનની ધામિર્ક માન્યતા
હિન્દુ ધર્મમાં કારતક સુદ પુનમના દિવસે દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વને દેવતાઓની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ કાશીનગરીમાં પધારે છે અને દીપ પ્રગટાવીને ઉત્સવ મનાવે છે. આગામી ૨૪ નવેમ્બરના રોજ કૃતિકા નક્ષત્ર અને પરિધ યોગમાં
દેવદિવાળી પર્વની ઉજવણી થશે. આ દિવસે ત્રિપુરારિ વ્રતની પૂર્ણિમા, તુલસી વિવાહનું સમાપન, ગુરુનાનક જયંતી, ત્રિપુરોત્સવ, દીપદાન, કાર્તિક સ્વામી દર્શન અને કાર્તિક સ્નાનની પુર્ણાહુતિ સહિતના ધાર્મિક પ્રસંગો પણ યોજાશે. દેવદિવાળીની રંગારંગ ઉજવણી સાથે જ દિવાળી પર્વની ઝાકમઝોળ શાંત થશે.
ભગવાન શાલિગ્રામ-તુલસી વિવાહનું ધામિર્ક મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર, યાર મહિનાની યોગનિદ્રા બાદ ભગવાન વિષ્ણુ જાગૃત થાય છે. અને ત્યારબાદ તુલસી વિવાહની પરંપરા નિભાવવામાં આવે છે. ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના વિવાહને શુભ કાર્યોના પુનઃપ્રારંભનું પ્રતીક માનવામાં આવે છે. તુલસી માતાની પુજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેતી હોવાની શ્રદ્ધા છે. તુલસીના પાંદડાં ઔષધીય ગુણધર્મો ધરાવતા હોવાથી ધાર્મિક ઉપરાંત આરોગ્યની લ્લષ્ટિએ પણ તેનું વિશેષ મહત્ત્વ છે. આ પ્રસંગે શહેરનાં વિવિધ મંદિરોમાં તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના વિવાહની પરંપરાગત વિધિઓ સાથે ઉજવણી કરવામાં આવશે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
