<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

જામનગરમાં અનંત અંબાણીના જન્મદિવસે ભક્તિનો માહોલ : શાહરૂખ ખાન શિવ ભજન 'બમ લહેરી' પર મન મૂકીને ઝૂમતા વીડિયો વાયરલ : જૂઓ વિડીયો

મુકેશ અંબાણી અને નીતા અંબાણી શિવ ભક્તિમાં લીન થયા: રણવીર સિંહ અને જ્હાન્વી કપૂરે ગરબાની રમઝટ બોલાવી જ્યારે સલમાન ખાને અનંતને 'પ્યોર સોલ' ગણાવી ખાસ સંદેશ પાઠવ્યો

જામનગર : રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીના 31મા જન્મદિવસે જામનગર ખાતે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજ સિતારાઓની હાજરીએ આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને સોશિયલ મીડિયા પર અત્યારે શાહરૂખ ખાનનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કૈલાશ ખેરના લોકપ્રિય શિવ ભજન 'બમ લહેરી' પર ભક્તિભાવ સાથે ઝૂમતો જોવા મળી રહ્યો છે.

 

ભજન સંધ્યામાં સ્ટાર્સનો જમાવડો અને પરંપરાગત રંગ:

જામનગરના વનતારામાં આયોજિત આ ભજન સંધ્યામાં શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને પુત્ર અબરામ ખાન સાથે હાજર રહ્યો હતો. ભજનના તાલે શાહરૂખ ખાનને નાચતો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કાર્યક્રમ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી સંપૂર્ણપણે ભક્તિમાં લીન જોવા મળ્યા હતા, જ્યારે રાધિકા મર્ચન્ટ પણ આ ફેમિલી સેલિબ્રેશનમાં સહભાગી થઈ હતી. આ પ્રસંગે રણવીર સિંહ અને જ્હાન્વી કપૂરે પરંપરાગત ગરબા રમીને વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો. રણવીર સિંહે ગાયક મોહિત ચૌહાણ સાથે 'ડૂબા ડૂબા' ગીત ગાઈને મહેફિલ લૂંટી હતી.

 

સલમાન ખાનનો ખાસ મેસેજ અને વનતારામાં કેક કટિંગ:

અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી વનતારા વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સેન્ટરમાં કરવામાં આવી હતી. આ તકે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ લખ્યો હતો કે, "જો યાદશક્તિ નબળી હોય તો લખી રાખજો, આ માણસ દેશને પણ આગળ લઈ જશે. અનંત અંબાણી દિલ અને દિમાગથી અમીર છે અને તે એક પવિત્ર આત્મા (પ્યોર સોલ) છે." સલમાનનો આ સંદેશ ચાહકોમાં ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે.

 

સોશિયલ મીડિયા પર યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ:

શાહરૂખ ખાનના ડાન્સ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું કે "અંબાણી દરેકને નચાવે છે", તો વળી કોઈએ ટિપ્પણી કરી કે "પૈસા શું નથી કરાવતા". એક યુઝરે રમૂજમાં લખ્યું કે "શાહરૂખ ખાન અહીં પણ છૈયા છૈયા સ્ટેપ કરી રહ્યો છે." જોકે, મોટાભાગના લોકોએ આ ભક્તિમય માહોલ અને કલાકારોની પરંપરાગત શૈલીના વખાણ કર્યા છે. જામનગરમાં યોજાયેલો આ કાર્યક્રમ પરંપરાગત સંગીત, ભક્તિ અને બોલિવૂડના ગ્લેમરનું અનોખું મિશ્રણ સાબિત થયો હતો.

(2:55 PM IST)