<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

દિલ્હી યુનિવર્સિટી છાત્રસંગઠન ચૂંટણીના પરિણામો જાહેર: એબીવીપીએ ત્રણ મહત્વની સીટો પર કબ્જો જમાવ્યો, વાઇસ પ્રેસિડેન્ટ પદે અપક્ષ ઉમેદવારનો ભવ્ય વિજય

​પ્રમુખ પદે યશ દબાસ, મંત્રી પદે રિયા છાબડી અને સહ-મંત્રી પદે લક્ષ્યરાજ સિંહની જીત સાથે વિદ્યાર્થી પરિષદનું વર્ચસ્વ યથાવત; કોંગ્રેસ પ્રેરિત એનએસયુઆઈનું ખાતું પણ ન ખૂલતાં ભારે નિરાશા

​નવી દિલ્હી:દેશની સૌથી ચર્ચિત અને વગદાર ગણાતી દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ચૂંટણી ૨૦૨૬ના બહુપ્રતિક્ષિત પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ ફરી એકવાર પોતાનો ભવ્ય દબદબો સાબિત કરતા ચારમાંથી ત્રણ મુખ્ય હોદ્દાઓ પર શાનદાર જીત મેળવી છે. બીજી તરફ, કોંગ્રેસના છાત્ર સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ને આ ચૂંટણીમાં મોટો આંચકો લાગ્યો છે અને તે એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યું છે.

​ચૂંટણી પરિણામો મુજબ, ડીયુએસયુના સૌથી અગત્યના એવા પ્રમુખ (પ્રેસિડેન્ટ) પદ પર એબીવીપીના ઉમેદવાર યશ દબાસે પોતાના મુખ્ય હરીફ એનએસયુઆઈના વિજય શંકર મીણાને આકરા મુકાબલામાં હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ જ રીતે મંત્રી (સેક્રેટરી) પદ પર એબીવીપીના રિયા છાબડીએ વિજયી પતાકા લહેરાવી છે, જ્યારે સહ-મંત્રી (જોઈન્ટ સેક્રેટરી) પદે પણ એબીવીપીના લક્ષ્યરાજ સિંહે બહુમતી મેળવીને જીત હાંસલ કરી છે.

​આ ચૂંટણી પરિણામોનું સૌથી મોટું સરપ્રાઈઝ ઉપપ્રમુખ (વાઈસ પ્રેસિડેન્ટ) પદ પર જોવા મળ્યું હતું. ઉપપ્રમુખ પદ પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા દીપાંશુ શોકીને વિરોધી ઉમેદવારોને મોટા માર્જિનથી પછાડીને ભવ્ય જીત નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ટીકીટ ન મળતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દીપાંશુ શોકીને શરૂઆતથી જ તમામ રાઉન્ડમાં મજબૂત લીડ જાળવી રાખી હતી.

​ગણતરીના તબક્કે અનેક રાઉન્ડમાં પ્રમુખ અને સહ-મંત્રી પદ માટે એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે, અંતિમ રાઉન્ડ્સમાં એબીવીપીના ઉમેદવારોએ નિર્ણાયક સરસાઈ મેળવીને જીત નિશ્ચિત કરી લીધી હતી. પરિણામો જાહેર થતાં જ કેમ્પસમાં એબીવીપીના કાર્યકરો અને સમર્થકોએ ઢોલ-નગારા અને વિજયી નારાઓ સાથે જોરદાર ઉજવણી શરૂ કરી દીધી હતી.

(5:54 PM IST)