News of Monday, 14th September 2026
દિલ્હી હાઈકોર્ટનો 'વિમલ ઈલાયચી'ના ઉત્પાદકોને ઝાટકો: શાહરૂખ, અજય અને ટાઈગર શ્રોફને મહારાષ્ટ્ર FDA ની શો-કોઝ નોટિસ રદ કરવાની અરજી ફગાવી
સરોગેટ એડવર્ટાઇઝિંગ અને ભ્રામક જાહેરાત મામલે બોલીવુડ કલાકારો સામે કાર્યવાહીનો રસ્તો સાફ; અદાલતે કહ્યું - 'ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન'ના આધારે મહારાષ્ટ્ર અદાલતમાં જાવ

નવી દિલ્હી : મનોરંજન અને જાહેરાત જગતમાં ભારે ચર્ચા જગાડનારા 'વિમલ ઈલાયચી' (Vimal Elaichi) ના જાણીતા પ્રચાર અભિયાન મામલે દિલ્હી હાઈકોર્ટે ઉત્પાદક કંપનીને મોટો આંચકો આપ્યો છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બોલીવુડ સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને પાઠવવામાં આવેલી 'શો-કોઝ નોટિસ' (કારણ દર્શાવો નોટિસ) રદ કરવાની માંગ કરતી કંપનીની અરજી દિલ્હી હાઈકોર્ટે સોમવારે ફગાવી દીધી છે.
ન્યાયમૂર્તિ સ્વર્ણ કાંતા શર્માએ આ અરજી પર ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, પ્રાદેશિક અધિકારક્ષેત્ર (Territorial Jurisdiction) ના અભાવે આ અરજી દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી માટે યોગ્ય નથી. 'ફોરમ કન્વેનિયન્સ' (સૌથી અનુકૂળ ન્યાયિક મંચ) ના કાનૂની સિદ્ધાંત મુજબ મહારાષ્ટ્ર FDA ની નોટિસ સામે કાનૂની પડકાર આપવા માટે અરજદાર માટે મહારાષ્ટ્રની અદાલતો જ યોગ્ય અને અનુકૂળ મંચ છે.
સરોગેટ જાહેરાત અને ભ્રામક દાવો
સમગ્ર મામલાની વિગત અનુસાર, 'વિમલ' બ્રાન્ડ બનાવતી PB Agro LLP કંપનીએ દલીલ કરી હતી કે તેઓ માત્ર ઈલાયચીના પ્રચાર માટે કાયદાના દાયરામાં રહીને કલાકારો સાથે કરારબદ્ધ છે. પરંતુ મહારાષ્ટ્ર FDA એ આકરો વલણ અપનાવીને ત્રણેય સુપરસ્ટાર્સને નોટિસ જારી કરી હતી. FDA નો ગંભીર આરોપ છે કે 'વિમલ ઈલાયચી' ની જાહેરાતો વાસ્તવમાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત એવા 'વિમલ પાન મસાલા' નો પરોક્ષ પ્રચાર (Surrogate Advertising) છે, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે.
મહારાષ્ટ્ર FDA એ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને એવા પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો જે સાબિત કરે કે 'વિમલ ઈલાયચી' એ પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલાથી સાચે જ એક અલગ પ્રોડક્ટ છે. આ સિવાય તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ જાહેરાતો હટાવવાની માંગ કરાઈ હતી. દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે કંપની અને ત્રણેય અગ્રણી કલાકારોએ મહારાષ્ટ્રની અદાલતો કે નિયમનકારી મંચ સમક્ષ જ જવાબ આપવો પડશે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
