News of Tuesday, 10th November 2026
દિલ્હીને મળ્યું પહેલું યમુના ક્રૂઝ સર્વિસનું આકર્ષણ, મંત્રી પરવેશ સિંહે જેટ સ્કીની સવારી કરીને લીધી અદભુત મજા
રાષ્ટ્રીય રાજધાનીમાં નદી પ્રવાસનને વેગ આપવા માટે સોનિયા વિહાર અને જગતપુર વચ્ચે છ કિલોમીટર લાંબી ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નદી પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી મંગળવારના રોજ યમુના નદી પર તેની પ્રથમ ક્રૂઝ સેવા નમો યમુના રિવર સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીના મંત્રી પરવેશ સિંહે કેન્દ્રીય બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરી હતી. આ નવી પહેલથી દિલ્હીના પર્યટન ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં પરવેશ સિંહે જણાવ્યું હતું કે આ ક્રૂઝ સેવા પ્રવાસીઓને સોનિયા વિહાર અને જગતપુર વચ્ચે છ કિલોમીટરની મુસાફરીનો આનંદ માણવાની તક આપશે. જે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવાસન માટે એક નવું આકર્ષણ સાબિત થશે. પ્રવાસીઓની સગવડ માટે ટર્મિનલ પર પાર્કિંગ નાસ્તા પીવાનું પાણી અને બાળકોના મનોરંજન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. પરવેશ સિંહના જણાવ્યા અનુસાર આ પહેલથી દિલ્હીના પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે સ્થાનિક વ્યવસાયોને ટેકો મળશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. આ લોકાર્પણ સમારોહમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર સાંસદ મનોજ તિવારી અને દિલ્હીના મંત્રીઓ મનજિન્દર સિંહ સિરસા તથા કપિલ મિશ્રા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પરવેશ સિંહે સોશિયલ મીડિયા પર કાર્યક્રમના ફોટા અને વિડિયો પણ શેર કર્યા હતા જેમાં તે યમુના નદી પર જેટ સ્કીની સવારી કરતા અને પાણી પર સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આજે મેં માં યમુનાની લહેરો વચ્ચે જેટ સ્કીની સવારીનો આનંદ માણ્યો અને માં યમુનાની ગોદમાં વિતાવેલો આ અનુભવ ખરેખર અવિસ્મરણીય રહ્યો હતો.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
