<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

અંબાણી પરિવારના કાર્યક્રમમાં રાધિકા મર્ચન્ટ અને જેઠ આકાશ અંબાણી વચ્ચેની ક્યૂટ મસ્તીનો વીડિયો વાયરલ: કેમેરા સામે જ આકાશભાઈએ નાની વહુને આપી દીધી એવી સલાહ કે હસી પડ્યું આખું કુટુંબ!

અંબાણી પરિવારની 'સ્વદેશ' બ્રાન્ડની વર્ષગાંઠનો ક્યૂટ કિસ્સો: ફોટોશૂટ વખતે રાધિકાને પતિ અનંત પાસે મોકલતા આકાશ અંબાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો

મુંબઈ, તા.12: અંબાણી પરિવારમાં હંમેશાં કોઈને કોઈ ખાસ પ્રસંગ ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની અગ્રણી બ્રાન્ડ ‘સ્વદેશ’ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. નવરાત્રિ અને દેવી શક્તિની થીમ પર આધારિત આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવાર શાહી અંદાજમાં પહોંચ્યો હતો, જ્યાંથી એક ખૂબ જ મનોરંજક અને ક્યૂટ વીડિયો સામે આવ્યો છે.

આ ઇવેન્ટ દરમિયાન જ્યારે સમગ્ર પરિવાર મીડિયા માટે ફોટો સેશન પોઝ આપવા ભેગો થયો હતો, ત્યારે એક મજેદાર પળ સર્જાઈ હતી. ઘરની નાની વહુ રાધિકા મર્ચન્ટ સ્ટેજ પર મોટી વહુ શ્લોકા મહેતાની બાજુમાં ઊભી રહેવા જતી હતી, તે જ ક્ષણે પાછળથી તેના જેઠ આકાશ અંબાણીએ હસતાં-હસતાં રાધિકાને તેના પતિ અનંત અંબાણી તરફ જવાનો ઇશારો કર્યો હતો. એટલું જ નહીં, આકાશભાઈ પોતે શ્લોકા પાસે આવીને ઊભા રહી ગયા હતા. જેઠ અને નાની વહુ વચ્ચેની આ હસી-મજાક અને ક્યૂટ પળ જોઈને ત્યાં હાજર તમામ લોકો અને ખુદ રાધિકા પણ ખડખડાટ હસી પડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ શાહી કાર્યક્રમમાં અંબાણી પરિવારના આઉટફિટ્સ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુકેશ અંબાણી ક્લાસિક ફોર્મલ લુકમાં જોવા મળ્યા હતા, જ્યારે ફાઉન્ડર-ચેરપર્સન નીતા અંબાણીએ રેડ વાઇન કલરની આકર્ષક બનારસી સાડી અને મેચિંગ વેલ્વેટ જેકેટવાળા બ્લાઉઝ સાથે સુંદર ડાયમંડ અને પર્લનો નેકપીસ પહેર્યો હતો. આકાશ અંબાણીએ માતા નીતા અંબાણીના આઉટફિટ સાથે ટ્યુનિંગ કરીને વાઇન કલરનો કુર્તા સેટ પહેર્યો હતો, જ્યારે શ્લોકા મહેતા મલ્ટીકલર આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બીજી બાજુ, અનંત અંબાણીએ નેવી બ્લુ રંગના હેવી ગોલ્ડન પેચવર્કવાળા કુર્તા-જેકેટ સેટમાં શાહી લુક આપ્યો હતો. તો ઘરની નાની વહુ રાધિકા મર્ચન્ટ ગોલ્ડન કલરના સ્ટાઇલિશ કો-ઓર્ડ સેટ (સાડી સ્ટાઇલ સ્કર્ટ અને ટ્રેન્ડી ટોપ) તથા મેચિંગ ક્લચ સાથે આખી ઇવેન્ટમાં લાઈમલાઇટ ચોરી ગઈ હતી. પરિવારના આ પ્રેમ અને મસ્તીભર્યા માહોલે ચાહકોનું દિલ જીતી લીધું છે.

(4:46 PM IST)