<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

દેશનું ઓર્ગેનિક્‍સ માર્કેટ રૂા. ૨૦૦૦૦ કરોડનું: ગુજરાતનો ૨૫% હિસ્‍સો

ગુજરાતનું માર્કેટ અંદાજે રૂ.૫,૦૦૦ કરોડનું: મિલ્‍ક, મિલેટ્‍સ, ધાન્‍ય, શાકભાજી વગેરેની માગમાં ૨૦ ટકાનો ચક્રવૃદ્ધિ દર નોંધાયો : ઓર્ગેનિક્‍સ ક્ષેત્રે વેગ આપવા આયુદા દ્વારા ૫૫૦થી વધુ ખેડૂતો સાથે જોડાણ

નવી દિલ્‍હી તા.૫: ગુજરાતમાં કોરોના પછી લોકોમાં હેલ્‍થ પ્રત્‍યે વધેલી જાગૃતતાને કારણે ઓર્ગેનિક પ્રોડકટ જેવી કે મિલ્‍ક, મિલેટ્‍સ, ધાન્‍ય, શાકભાજી વગેરેની માગમાં ૨૦ ટકાનો ચક્રવૃદ્ધિ દર નોંધાયો છે. હાલ ગુજરાતનું માર્કેટ અંદાજે રૂ.૫,૦૦૦ કરોડનું છે અને દેશભરનું રૂ.૨૦,૦૦૦ કરોડનું રહ્યું હોવાનું આયુદા ઓર્ગેનિક્‍સના કો-ફાઉન્‍ડર નિરવ સોલંકીએ જણાવ્‍યું હતું. આને કારણે છેલ્‍લા પાંચ વર્ષ દરમિયાન કંપનીનો ગ્રોથ ૪૦ ટકાનો રહ્યો છે અને હાલ ટર્નઓવર રૂ.૮.૫ કરોડના સ્‍તરે પહોંચ્‍યું છે, જે આગામી ૨-૩ વર્ષમાં જ રૂ.૨૫ કરોડના સ્‍તરે પહોંચી જશે. કંપનીના ગ્રોથને ધ્‍યાનમાં લેતા તાજેતરમાં કેટલાકક ઇન્‍વેસ્‍ટર્સે રસ દાખવીને ઇક્‍વિટી હિસ્‍સો પણ ખરીદ્યો છે.

લોકોની ડિસ્‍પોઝેબલ આવકમાં વધારો થવા સાથે ટીયર ૧-૨ ઉપરાંત ટીયર ૩ જેવા શહેરોમાં પણ માગ વધી છે. કંપનીના ફાઉન્‍ડર અનિલ પટેલે જણાવ્‍યું કે ગુજરાતમાં સરેરાશ ૫૫૦ થી વધુ ખેડૂતો સાથે જોડાણ કર્યું છે. કુલ ૨.૭૫-૩ લાખ ગ્રાહકો સુધીની પહોંચ બનાવી છે જેમાં ૪૩૦૦૦થી વધુ લિસ્‍ટેડ ગ્રાહકો છે. ગ્રોસરી સેગમેન્‍ટમાં સ્‍ટોર્સ પર સરેરાશ ૮૫-૯૦ ટકા રિપિટ રેશિયો છે. કંપનીની ઉત્‍પાદન શ્રેણીમાં ઓર્ગેનિક કરિયાણું, તાજા ફળો, શાકભાજી અને અત્‍યંત લોકપ્રિય A2 ગાયના દૂધનો સમાવેશ થાય છે. કંપનીએ ડિજિટલ ક્ષેત્રે પણ પોતાની મજબૂત પકડ બનાવી છે. પોતાની વેબસાઈટ ઉપરાંત એમેઝોન અને ફિલપકાર્ટ જેવા પ્‍લેટફોર્મ્‍સ દ્વારા ઉત્‍પાદનો દેશભરમાં ઉપલબ્‍ધ છે.

ઓર્ગેનિક્‍સ સેક્‍ટરમાં સ્‍ટાર્ટઅપ કંપની આયુધાએ વિસ્‍તરણની યોજનાના ભાગરૂપે ફંડિગ એકત્ર કર્યું છે. કંપનીએ ૧૫ કરોડના વેલ્‍યુએશન પર પાંચ લોકોને સરેરાશ પાંચ ટકા ઇક્‍વિટી વહેંચી છે. કંપનીએ સરેરાશ ૧.૫ કરોડનું ફંડિગ મેળવ્‍યું છે. આગામી સમયમાં વેરહાઉસિગ અને પેકેજીંગ ઇનોવેશનને વેગ આપવા માટે રોકાણ કરાશે. અમદાવાદ ઉપરાંત અન્‍ય શહેરો અને ત્‍યારબાદ બીજા રાજ્‍યમાં વિસ્‍તરણની યોજના છે.

કંપનીના અત્‍યારે ૧૫ ઓપરેશનલ ઓર્ગેનિક્‍સ સ્‍ટોર્સ છે. દર મહિને સરેરાશ એકથી વધુ સ્‍ટોર્સ શરૂ કરવા સાથે વર્ષાન્‍ત સુધીમાં ૨૫ સ્‍ટોર્સ શરૂ કરવાનો ટાર્ગેટ છે. કુલ ઓપરેશનલ સ્‍ટોર્સમાં ૩ કંપની હસ્‍તકના છે. જ્‍યારે અન્‍ય ફ્રેન્‍ચાઇઝી અને FOCO (ફ્રેન્‍ચાઇઝી-કંપની ઓપરેટેડ) છે. કંપની ૧૫૦થી વધુ પ્રોડક્‍ટ પોર્ટફોલિયો ધરાવે છે. 

 

(10:09 AM IST)