<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

દલાલ સ્ટ્રીટમાં સુનામી લાવશે દેશનો સૌથી મોટો IPO: NSE ના IPO થી SBI અને CPP ઇન્વેસ્ટમેન્ટ્સ સહિતના શેરધારકોને થવાનો છે ₹૧૬,૫૦૦ કરોડનો છપ્પરફાડ નફો!

માત્ર ૮૦ પૈસામાં ખરીદેલા શેરનો IPO ભાવ ₹૧,૭૮૫ સેટ થયો: બેંક ઓફ બરોડા અને સરકારી વીમા કંપનીઓ પણ નફાની ગંગોત્રીમાં મારશે ડૂબકી

મુંબઈ, તા.૧૬: ભારતીય શેરબજારના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના બહુપ્રતિક્ષિત 'ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ' (IPO) ને લઈને મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. NSE ના આ આઈપીઓથી શેર વેચનારા રોકાણકારો માટે કુબેરનો ખજાનો ખુલવા જઈ રહ્યો છે. ખાસ કરીને સરકારી બેંકો અને સંસ્થાકીય રોકાણકારોને આમાં એવો જંગી નફો થવા જઈ રહ્યો છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

NSE ના 'રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ' મુજબ, ₹૧,૭૮૫ ની પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા (Upper End) પર આ IPO માં પોતાના શેર વેચનારા ૧૦ મુખ્ય શેરધારકોને સામૂહિક રીતે લગભગ ₹૧૭,૦૩૫ કરોડ મળવાનો અંદાજ છે. 'મનીકંટ્રોલ' ના રિપોર્ટ અનુસાર, આ શેરધારકોની કુલ ખરીદ કિંમત (Acquisition Cost) માત્ર ₹૫૩૪ કરોડ જેટલી જ હતી. આનો સીધો અર્થ એ થાય છે કે આ રોકાણકારો આઈપીઓ આવતાની સાથે જ ₹૧૬,૫૦૧ કરોડનો ચોખ્ખો નફો રળશે!

SBI માત્ર ૧.૨૮ કરોડના રોકાણ સામે કમાશે ₹૨,૮૫૧ કરોડ!
આ નફાની રેસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સૌથી મોટી લાભાર્થી બનીને ઉભરી આવી છે. SBI એ આ શેર માત્ર ૮૦ પૈસા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા! હવે બેંક આ IPO માં તેના ૧૫.૯૭ મિલિયન શેર વેચી રહી છે, જેનાથી તેને ₹૧.૨૮ કરોડના પ્રારંભિક રોકાણ સામે સીધા ₹૨,૮૫૧ કરોડ રૂપિયા રોકડા મળશે. આ સિવાય કેનેડા પેન્શન પ્લાન (CPP Investments) પણ તેના ₹૩૮૪.૯ કરોડના રોકાણ સામે ₹૨,૧૨૦ કરોડની કમાણી કરશે. આ સિવાય મોરેશિયસ સ્થિત 'Aranda Investments' અને 'MS Strategic' ને પણ અનુક્રમે ₹૨,૦૦૭ કરોડ અને ₹૧,૯૬૪ કરોડનો નફો થવાની અપેક્ષા છે.

દિગ્ગજ સરકારી કંપનીઓની પણ થશે બલે-બલે
SBI ઉપરાંત બેંક ઓફ બરોડા, ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની, SBI કેપિટલ માર્કેટ્સ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન, GIC અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની જેવા સરકારી પ્લેયર્સને પણ અધધ નફો થવાનો છે. સુધારેલા દસ્તાવેજો મુજબ, હવે 'ઓફર ફોર સેલ' (OFS) દ્વારા શેરધારકો ૧૨૬ મિલિયન શેર વેચશે. અગાઉ ૧૪૯ મિલિયન શેર વેચવાનો પ્લાન હતો, પરંતુ NSE ના રોકેટ જેવા ભવિષ્યને જોતા SBI, બેંક ઓફ બરોડા અને GIC એ પોતાના વેચાણના હિસ્સામાં કાપ મૂકીને ભવિષ્યની મોટી કમાણી માટે મોટા ભાગના શેર પોતાની પાસે જ જાળવી રાખવાનો શાણપણભર્યો નિર્ણય લીધો છે.

(4:32 PM IST)