<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

૧૫ ડિસેમ્‍બર પહેલા સંસદનું શિયાળુ સત્ર યોજાવાની વિચારણાઃ મંત્રીઓને વિદેશ પ્રવાસ ટાળવાની સૂચના

સત્રની તારીખ અને અવધિ પર સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ કરશે અંતિમ નિર્ણયઃ વિપક્ષના આરોપો અને સીમાંકન-મહિલા અનામત બિલ પર રાજકીય ચર્ચા

નવી દિલ્‍હી, તા.૨૬: વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ કેબિનેટ સાથીદારોને ૧૫ ડિસેમ્‍બર પહેલા સંસદના શિયાળુ સત્રની તૈયારીઓ પૂર્ણ કરવા અને વિદેશ પ્રવાસ ન કરવા સૂચના આપી છે, જ્‍યારે સરકાર ૨૯ નવેમ્‍બર અથવા ૬ ડિસેમ્‍બરમાંથી એક તારીખ પર વિચાર કરી રહી છે અને સીમાંકન તથા મહિલા અનામત બિલ જેવા મુદ્દાઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્‍યો છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, તાજેતરમાં યોજાયેલી કેન્‍દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આગામી સત્ર અંગે ચર્ચા થઈ હતી અને સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ ટૂંક સમયમાં તારીખ તથા અવધિને અંતિમ સ્‍વરૂપ આપશે. સામાન્‍ય રીતે ૨૫ નવેમ્‍બરની આસપાસ શરૂ થઈને ૨૫ ડિસેમ્‍બર સુધી ચાલતા શિયાળુ સત્રમાં વિલંબ મુદ્દે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યો છે અને ચોમાસુ સત્ર મુલતવી રાખ્‍યા બાદ ૧૦૦ થી વધુ દિવસ વીતી ગયા હોવા છતાં સત્ર બોલાવવામાં ન આવતા સવાલો ઉઠાવી રહ્યો છે.

દરમિયાન, સંભવિત ખાસ સત્ર અને લોકસભા-વિધાનસભા મતવિસ્‍તારોના પ્રસ્‍તાવિત સીમાંકન સંબંધિત મહિલા અનામત બિલ રજૂ થવાની અટકળોએ રાજકીય ચર્ચાઓને વેગ આપ્‍યો છે. જોકે, બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે જરૂરી બે તળતીયાંશ બહુમતી એટલે કે ૩૬૧ સભ્‍યોનું સમર્થન મેળવવું સરકાર માટે મહત્‍વપૂર્ણ પડકાર બની શકે છે, કારણ કે હાલ ૫૪૩ બેઠકોમાંથી ત્રણ બેઠકો ખાલી હોવાથી લોકસભામાં ૫૪૦ સભ્‍યો કાર્યરત છે. 

(2:59 PM IST)