News of Wednesday, 7th October 2026
જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ: પીએમ મોદીનું યુવાનોને દેશ માટે ખપી જવાનો આહ્વાન, 'વિકસિત ભારત સંકલ્પ સભા'માં પ્રેરણાદાયી સંબોધન
વર્તમાન સમય આરામ કરવાનો નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ માટે સંપૂર્ણ તાકાત લગાવી દેવાનો છે: ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે જેન-ઝી પેઢીને માર્ગદર્શન આપતી વેળાએ વડાપ્રધાને પોતાના સંઘર્ષમય દિવસોને પણ યાદ કર્યા

નવી દિલ્હી, તા.૦૭: ભારતીય રાજકારણમાં સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂર્ણ કરવાના ઐતિહાસિક અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે પૂરતી તાકાત અને જોશ સાથે આગળ વધવા માટે મોટું આહ્વાન કર્યું છે. દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ સભા - સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા પેઢીને સંબોધતા વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમય આરામ કરવાનો નથી, પરંતુ દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પોતાની જાતને ખપાવી દેવાનો અને આગળ ધપવાનો છે.
યુવાપેઢી માટે ખાસ સંદેશો આપતા વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં યુવા વસ્તીનો આટલો મોટો ડેમોગ્રાફિક ડિવિડન્ડનો અવસર પહેલીવાર પ્રાપ્ત થયો છે અને દેશના વિકાસ માટે આ સુવર્ણ તકને કોઈપણ સંજોગોમાં ગુમાવવી પોસાય તેમ નથી. પીએમ મોદીએ યુવા સાથીઓને પ્રેરણા આપતા કહ્યું કે આપણા વડીલો અને પૂર્વજોએ જે અભાવ અને મુશ્કેલીઓ વેઠી છે, તે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓએ ન ભોગવવી પડે તે માટે આજથી જ સમર્પણ ભાવથી કામ કરવું પડશે. દેશના નિર્માણમાં યુવાનોની ઊર્જા અને ક્ષમતા સૌથી મોટી તાકાત છે.
પોતાના શરૂઆતના રાજકીય પ્રવાસ અને સંઘર્ષોને વાગોળતા વડાપ્રધાને કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમની પાસે સરકાર ચલાવવાનો કોઈ પૂર્વ અનુભવ કે વહીવટી જ્ઞાન નહોતું. તે સમયે તેમની પાસે માત્ર જનશક્તિ અને જનતા પરનો અતૂટ વિશ્વાસ હતો. જનતાને સાથે રાખીને નીતિઓ ઘડી અને 'આપણે આ કરી બતાવીશું'ના મંત્ર સાથે આગળ વધ્યા, જેના પરિણામે ગુજરાતે વિકાસના એવા સીમાચિહ્નો સ્થાપ્યા જેનું ઉદાહરણ આજે સમગ્ર વિશ્વ આપી રહ્યું છે.
વડાપ્રધાને યાદ કર્યું કે ૨૫ વર્ષ પહેલાં જ્યારે તેઓ ૫૦ વર્ષના હતા, ત્યાં સુધીનું મોટાભાગનું જીવન તેમણે જંગલોમાં આદિવાસી સમાજ વચ્ચે અને હિમાલયના પહાડોમાં સેવામાં વિતાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ચૂંટણી વ્યવસ્થાપનમાં સક્રિય જરૂર રહ્યા હતા, પરંતુ ક્યારેય પોતે ચૂંટણી લડવાની કોઈ મહત્વકાંક્ષા રાખી નહોતી. જો તેમનો ઉદ્દેશ્ય માત્ર સત્તા કે ચૂંટણીની રાજનીતિ હોત તો તેઓ ઘણા સમય પહેલાં મેદાનમાં ઉતરી શક્યા હોત, પરંતુ તેમનો સ્વભાવ હંમેશાં વ્યક્તિગત મહત્વકાંક્ષાઓથી પર રહ્યો છે.
બાળપણના સંસ્કારોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે તેમને હંમેશાં શીખવવામાં આવ્યું છે કે જીવન કોઈ ઉચ્ચ ઉદ્દેશ્ય અને લોકકલ્યાણ માટે જીવવું જોઈએ. જીવનમાં જે પણ જવાબદારી મળી તેને તેમણે પૂરી નિષ્ઠાથી અને સમર્પણ ભાવથી નિભાવી છે. "મારા માટે કર્મ જ સર્વસ્વ છે, કર્મ જ મારો ધર્મ છે," તેમ કહીને તેમણે યુવા પેઢીને અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને હંમેશાં રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા માટે પ્રેરિત કર્યા હતા.
આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો યુવાનોએ વડાપ્રધાનના પ્રેરણાદાયી શબ્દોને વધાવી લીધા હતા. દેશભરમાંથી આવેલા યુવા પ્રતિનિધિઓએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો છે. સરકાર દ્વારા આગામી સમયમાં યુવાનો માટે રોજગારી, કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેક નવા પગલાં ભરવામાં આવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
