<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

સોનાના ભાવમાં કડાકા વચ્ચે ચીનનો મોટો દાવ: સતત 24મા મહિને સોનાની ખરીદી: ઓક્ટોબરમાં રેકોર્ડ તોડ્યો

ચીનનો ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વ ઉછળીને 2,435 ટન પર પહોંચી ગયો: ભાવ ગગડ્યા છતાં ગોલ્ડ ઈટીએફ અને રિઝર્વમાં વધારો

નવી દિલ્હી :વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં ભારે કડાકો બોલાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચીન પીળી ધાતુને લઈને એક મોટો ખેલ કરી રહ્યું છે. દુનિયાભરમાં સોનાના ભાવ તૂટવા છતાં ચીનની સેન્ટ્રલ બેંક સતત 24મા મહિને દનાદન સોનાની ખરીદી કરીને પોતાનો ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે.

 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના અક્ટોબર 2026 ના રિપોર્ટ અનુસાર, પીપલ્સ બેંક ઓફ ચાઈના (People's Bank of China) એ ઓક્ટોબર મહિનામાં જ આશરે 26 ટન સોનું ખરીદ્યું છે.

ઓક્ટોબર 2023 પછી ચીનની આ સૌથી મોટી મંથલી ગોલ્ડ ખરીદી છે. આ સાથે જ ચીનનો ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વ ઉછળીને 2,435 ટન પર પહોંચી ગયો છે, જે તેના કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વના 8.1% હિસ્સો ધરાવે છે.

 

આંતરરાષ્ટ્રીય બજારમાં LBMA ગોલ્ડ પ્રાઈઝ ડોલરના હિસાબે 6.3% અને શંઘાઈ બેન્ચમાર્ક યુઆનના હિસાબે 5.9% ગગડ્યો છે. આ ઘટાડા છતાં ચીની ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF) માં સતત ચોથા મહિને 6.3 ટન ($784 Million) સોનું ઠાલવવામાં આવ્યું છે, જેથી ચીનની કુલ મેટલ ઈટીએફ હોલ્ડિંગ્સ રેકોર્ડ 310 ટન પર પહોંચી ગઈ છે.

 

સોનું સસ્તું થઈ રહ્યું હોવા છતાં ચીન આટલા મોટા પાયે ભંડાર વધારી રહ્યું છે તેની પાછળ તેની લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચના છે:

ડોલર પર નિર્ભરતા ઘટાડવી: ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની પકડ મજબૂત કરવા અને અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોના જેવા સેફ એસેટ્સ ઉમેરી રહ્યું છે.

જિયોપોલિટિકલ કટોકટીમાં સુરક્ષા: કોઈપણ વૈશ્વિક કટોકટી કે યુદ્ધની સ્થિતિમાં સોનું 'સેફ હેવન' ગણાય છે, જેના પર અન્ય કોઈ દેશનું નિયંત્રણ હોતું નથી.

 

માત્ર ચીન જ નહીં પરંતુ વિશ્વભરની કેન્દ્રીય બેંકો પણ નીચા ભાવે સોનું એકઠું કરી રહી છે. જેફરીઝના રિપોર્ટ મુજબ, 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ નેટ 321.2 ટન સોનાની ખરીદી કરી છે, જે 2024 ના ચોથા ત્રિમાસિક ગાળા પછી સૌથી વધુ છે. બદલાતી વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓમાં પોતાની અનામત સંપત્તિને વૈવિધ્યસભર (Diversify) રાખવા માટે બેંકો આ પગલું ભરી રહી છે.

(1:49 PM IST)