News of Tuesday, 12th May 2026
બંગાળમાં પરિવર્તનનો પ્રહાર: સુવેન્દુ સરકારે અભિષેક બેનર્જીની Z+ સુરક્ષા આંચકી લીધી, 'પાઈલટ કાર' અને લશ્કર જેવો કાફલો હવે ઈતિહાસ!
સત્તા બદલાતા જ દબદબો ખતમ: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બિનજરૂરી સુરક્ષા ખર્ચ પર લગાવી રોક, મમતા બેનર્જી અને અભિષેકના નિવાસસ્થાનેથી સુરક્ષા ઘેરો હટાવાયો - જાણો શું છે નવા CM ના ૬ મોટા નિર્ણયો?

કોલકાતા, તા. ૧૨: પશ્ચિમ બંગાળની સત્તામાં ઐતિહાસિક ફેરફાર બાદ હવે વહીવટી સ્તરે પણ મોટા નિર્ણયો લેવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પદ સંભાળતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સેકન્ડ-ઈન-કમાન્ડ અભિષેક બેનર્જીને મોટો આંચકો આપ્યો છે. વ્યાપક સુરક્ષા સમીક્ષા બાદ સરકારે અભિષેક બેનર્જીને ૧૦ વર્ષથી વધુ સમયથી મળતી Z-પ્લસ (Z+) શ્રેણીની સુરક્ષા તાત્કાલિક અસરથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે.
દબદબો બતાવવા સરકારી નાણાંનો ધુમાડો નહીં થાય
નબન્નામાં યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઈ નેતા પર ગંભીર જીવનું જોખમ ન હોય, તો માત્ર દબદબો બતાવવા માટે પ્રજાના પૈસે સુરક્ષાનો કાફલો ફાળવવો જોઈએ નહીં. આ નિર્ણયને પગલે અભિષેક બેનર્જીને મળતી ખાસ પાઇલટ કાર અને સુરક્ષા કર્મચારીઓના મોટા કાફલાને પરત ખેંચી લેવામાં આવ્યો છે. હવે તેમને માત્ર એક સામાન્ય સંસદ સભ્યને મળતું સ્ટાન્ડર્ડ સુરક્ષા કવચ જ પૂરું પાડવામાં આવશે.
બંગાળના રાજકીય ગઢમાં 'સફાયો' શરૂ
પોલીસ અધિકારીઓએ માત્ર સુરક્ષા જ નથી ઘટાડી, પરંતુ હરીશ મુખર્જી રોડ, કાલીઘાટ અને કામેક સ્ટ્રીટ પર આવેલી અભિષેક બેનર્જીની મિલકતો પરથી સ્કેનર મશીનો અને હાઈ-ટેક સર્વેલન્સ સિસ્ટમ પણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાનની બહારથી પણ વધારાનો સુરક્ષા ઘેરો દૂર કરવામાં આવ્યો છે. ૨૦૧૫માં એક જાહેર સભામાં થપ્પડ પડવાની ઘટના બાદ અભિષેકની સુરક્ષા વધારવામાં આવી હતી, જેનો હવે અંત આવ્યો છે.
સુવેન્દુ સરકારના ૬ માસ્ટરસ્ટ્રોક
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કેબિનેટ બેઠકમાં રાજ્યના હિતમાં ૬ મહત્વના નિર્ણયોની જાહેરાત કરી છે:
૧. સીમા સુરક્ષા માટે BSF ને જરૂરી જમીન ફાળવવી.
૨. અધિકારીઓની તાલીમ પદ્ધતિમાં સુધારો.
૩. સરકારી નોકરીઓની ભરતીમાં વય મર્યાદામાં છૂટછાટ.
૪. ભારતીય ન્યાય સંહિતાનો રાજ્યમાં તાત્કાલિક અમલ.
૫. શરણાર્થીઓ અને વિસ્થાપિતોને જમીનના કાયદેસરના અધિકારો આપવા.
૬. રાજ્યમાં કેન્દ્ર સરકારની 'આયુષ્માન ભારત' યોજનાનો અમલ કરવો.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકોમાંથી ૨૦૭ બેઠકો પર ભવ્ય જીત મેળવીને ભાજપે પહેલીવાર રાજ્યમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે, અને સરકારના આ આકરા તેવર આગામી સમયમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
