તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 16th May 2026
NEET પેપર લીક મામલે કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર: 'પીએમ મોદી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક બરતરફ કરે અથવા પોતે જવાબદારી સ્વીકારે'
"૨૨ લાખ વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ, દેશનું શિક્ષણ ક્ષેત્ર RSS-BJPનું કમાણીનું સાધન બન્યું"; પેપર લીકના આઘાતમાં યુવાનોની આત્મહત્યા પર મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના મૌન સામે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા 'નીટ' (NEET) નું પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ થતાં જ સમગ્ર દેશના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ અને નિરાશા વ્યાપી ગઈ છે. આ સંવેદનશીલ મુદ્દા પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ કમર કસી લીધી છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની અથવા તેમને પદ પરથી બરતરફ કરવાની સખત માંગ કરી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સત્તાના જોરે બેઠેલા લોકોએ દેશના લાખો યુવાનોના ભવિષ્યને નફાખોરીનું સાધન બનાવી દીધું છે.
શનિવારે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર વીડિયો નિવેદન જારી કરીને રાહુલ ગાંધીએ ભારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશ સારી રીતે જાણે છે કે NEETની પરીક્ષાના બે દિવસ પહેલા જ આખું પેપર વોટ્સએપ (WhatsApp) પર ધૂમ ફરી રહ્યું હતું. આમ છતાં, દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બેજવાબદાર નિવેદન આપી રહ્યા છે કે આ ઘટના સાથે તેમને કોઈ લેવાદેવા નથી. સંસદીય સમિતિ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં સુધારાની ભલામણો કરાઈ હોવા છતાં, શિક્ષણ મંત્રીએ વિપક્ષી સભ્યોની હાજરીનું બહાનું કાઢીને તેને ફગાવી દીધી હતી.
યુનિવર્સિટીઓ પૈસા કમાવવાનું ગઠબંધન બની ગઈ છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, "આજની તારીખમાં દેશનું સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ ક્ષેત્ર RSS, BJP અને તેમના માનીતા લોકો વચ્ચે માત્ર પૈસા કમાવવાનું એક મસમોટું નેટવર્ક બની ગયું છે. આપણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલર (VC) અને પ્રોફેસર તરીકે કોઈ પણ વિષય જ્ઞાન કે અનુભવ વિના માત્ર સંઘના બેકગ્રાઉન્ડના આધારે નિયુક્તિઓ કરવામાં આવી રહી છે. આ ભ્રષ્ટ ગઠબંધને દેશની સમગ્ર શિક્ષણ પ્રણાલીને ખોખલી કરી નાખી છે. આ જ કારણ છે કે અત્યાર સુધી અલગ-અલગ પરીક્ષાઓના પેપર ૮૦ થી વધુ વખત લીક થયા છે, જેણે દેશના ૨ કરોડથી વધુ યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દીધું છે." તેમણે પીએમ મોદીને લલકારતા કહ્યું કે, કાં તો ધર્મેન્દ્ર પ્રધાનને હમણાં જ હટાવો, નહીં તો આ પાપની જવાબદારી વડાપ્રધાન પોતે પોતાના માથે લે.
વિદ્યાર્થીઓની આત્મહત્યા પર મલ્લિકાર્જુન ખડગેએ વ્યક્ત કરી ઘેરી ચિંતા
બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ મામલે પીએમ મોદીના મૌન પર આકરા સવાલો ઉઠાવ્યા છે. પેપર લીકના આઘાત અને આર્થિક-માનસિક તણાવને કારણે દેશના જુદા-જુદા ભાગોમાં વિદ્યાર્થીઓ દ્વારા લેવાઈ રહેલા આત્મહત્યાના પગલાં અંગે તેમણે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. ખડગેએ લખીમપુર ખેરીના ઋત્વિક મિશ્રા, દિલ્હીની અંશિકા પાંડે અને રાજસ્થાનના પ્રદીપ મેઘવાલ જેવા તેજસ્વી વિદ્યાર્થીઓના નામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમણે બાળપણથી ડોક્ટર બનવાનું સપનું જોયું હતું, તેમના સપનાઓને મોદી સરકારના ભ્રષ્ટ અને અસમર્થ તંત્રે કચડી નાખ્યા છે.
"પરીક્ષા પે ચર્ચા" નહીં, હવે "લીક પે ચર્ચા" કરો:
મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, વડાપ્રધાન સોશિયલ મીડિયા પર 'જીવનની સરળતા' (Ease of Living) વિશે મોટી-મોટી વાતો પોસ્ટ કરે છે, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આત્મહત્યાના ગંભીર મુદ્દા પર એક પણ શબ્દ બોલતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે ૨૦૨૪ ના NEET પેપર લીક કેસમાં જે શંકાસ્પદ અધિકારીઓની પૂછપરછ થઈ હતી, તેમને સજા કરવાને બદલે સરકારે વધુ આકર્ષક હોદ્દાઓ પર બેસાડી દીધા છે. દિલ્હી મેડિકલ એસોસિએશને પણ આ પરિસ્થિતિને અસહ્ય ગણાવી છે, ત્યારે વડાપ્રધાને હવે મૌન તોડીને "પરીક્ષા લીક પર ચર્ચા" કરવી જોઈએ, કારણ કે મૌન રહેવાથી દેશના યુવાનોને ન્યાય નહીં મળે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
