તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Wednesday, 16th September 2026
કેન્દ્ર સરકારનો નાના વેપારીઓ માટે મોટો નિર્ણય: ₹૩ લાખ સુધીના માલની વિદેશી નિકાસ માટે કાગળિયા અને રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ!
વાણિજ્ય મંત્રાલય દ્વારા ફોરેન ટ્રેડ પોલિસી 2023 માં ઐતિહાસિક સુધારો: MSME, કારીગરો, ઈ-કોમર્સ સેલર્સ અને નવા ઉદ્યોગસાહસિકો માટે ગ્લોબલ માર્કેટના દ્વાર ખુલી ગયા

નવી દિલ્હી, તા.૧૬: ભારતના નાના વેપારીઓ, કારીગરો અને MSME ક્ષેત્રને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. સરકારે ₹૩ લાખ સુધીના મૂલ્યના લાયક નિકાસ માલ (Export Goods) માટે ફરજિયાત નોંધણી પ્રમાણપત્રો (Registration Certificates) ની જરૂરિયાતને નાબૂદ કરી દીધી છે. વાણિજ્ય મંત્રાલયના આ પગલાથી હવે નાના અને નવા નિકાસકારો વિદેશી બજારોમાં કોઈપણ સરકારી કાગળિયા કે વિલંબ વગર પોતાનો માલ સરળતાથી મોકલી શકશે.
વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વિદેશી વેપાર નીતિ હેઠળ જ્યાં પણ આ દસ્તાવેજોની જરૂર પડતી હતી, ત્યાં હવે નિકાસકારોને 'નોંધણી-સહ-સભ્યપદ પ્રમાણપત્ર' (RCMC) કે કોઈ પણ પ્રોફેશનલ રજિસ્ટ્રેશનની આવશ્યકતા રહેશે નહીં.
DGFT એ વિદેશ વેપાર નીતિમાં કર્યો સુધારો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આ ઐતિહાસિક મુક્તિ આપવા માટે 'ફોરેન ટ્રેડ પોલિસી, 2023' ના ફકરા 2.57 માં સુધારો કર્યો છે. આ નવો નિયમ પોસ્ટલ સેવાઓ, કુરિયર, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને અન્ય તમામ નિકાસ ચેનલો દ્વારા મોકલવામાં આવતા શિપમેન્ટ્સ પર લાગુ થશે. જોકે, ₹૩ લાખથી વધુના ફ્રી-ઓન-બોર્ડ (FOB) મૂલ્યવાળા મોટા શિપમેન્ટ માટે નિયમ મુજબ RCMC અથવા નોંધણી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
નાના વેપારીઓ અને કારીગરો માટે ગેમ-ચેન્જર પગલું
અગાઉ વિદેશમાં માલ મોકલતા પહેલા નાના વેપારીઓ કે કારીગરોએ વિવિધ નિકાસ પ્રમોશન કાઉન્સિલ અથવા કોમોડિટી બોર્ડના ધક્કા ખાવા પડતા હતા. યોગ્ય ઓથોરિટી શોધવી અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં જ ઘણો સમય અને પૈસા વેડફાઈ જતા હતા. હવે આ હળવા ધોરણોને કારણે નાના વેપારીઓ ખૂબ જ ઓછા ખર્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના ઉત્પાદનોની માગ ચકાસી શકશે અને પોતાનો નિકાસ ટ્રેક રેકોર્ડ બનાવી શકશે.
ડેટા એનાલિસિસ બાદ લેવાયો સમજદારીપૂર્વકનો નિર્ણય
છેલ્લા પાંચ વર્ષના (૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬) સરકારી આંકડા દર્શાવે છે કે વિદેશ મોકલાતા કુલ શિપિંગ બિલમાં $૩,૦૦૦ (અંદાજે ₹૨.૫ લાખ) સુધીના શિપમેન્ટનો હિસ્સો ૪૩% જેટલો મોટો હતો, પરંતુ દેશની કુલ નિકાસ કમાણીમાં તેમનો ફાળો માત્ર ૦.૮૬% હતો. આથી સરકારે સમજી-વિચારીને રજિસ્ટ્રેશનનો બોજ હટાવી દીધો છે, જેથી લાખો નાના વેપારીઓને પ્રોત્સાહન મળે અને દેશના કુલ વેપારને કોઈ નુકસાન પણ ન થાય. જ્યારે વેપારીઓનો બિઝનેસ ₹૩ લાખની મર્યાદા વટાવશે, ત્યારે તેઓ સરળતાથી સંસ્થાકીય નોંધણી કરાવીને સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
