<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા કેમિસ્ટો પર કેન્દ્ર સરકારનો સિકંજો: દેશના દરેક મેડિકલ સ્ટોરમાં સીસીટીવી (CCTV) કેમેરા લગાવવા ફરજિયાત બનશે!

શેડ્યૂલ H, H1 અને X કેટેગરીની એન્ટિબાયોટિક્સ તેમજ ગંભીર બીમારીઓની દવાનો દુરુપયોગ અટકાવવા આરોગ્ય મંત્રાલયનો ડ્રગ્સ રૂલ્સ ૧૯૪૫ માં સુધારાનો મોટો પ્રસ્તાવ

નવી દિલ્હી : ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના ગંભીર બીમારીઓ અને એન્ટિબાયોટિક્સ દવાઓનું અનિયંત્રિત વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર લગામ કસવા કેન્દ્ર સરકારે કમર કસી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડ્રગ્સ રૂલ્સ ૧૯૪૫ માં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા પ્રસ્તાવ હેઠળ દેશના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસીમાં સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવશે, જેથી કયા ગ્રાહકને કઈ દવા વેચવામાં આવી રહી છે તેનું ચોક્કસ રેકોર્ડ ટ્રેકિંગ થઈ શકે.

 

સરકારના આ નવા નિયમ મુજબ ડ્રગ્સ રૂલ ૬૫(૨) માં નવો પેટા-નિયમ ૨A ઉમેરવામાં આવશે. જે હેઠળ શેડ્યૂલ H, H1 અને X માં આવતી તમામ દવાઓનું વેચાણ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ જ થઈ શકશે. આ યાદીમાં કેન્સર, બ્લડ પ્રેશર, હૃદયરોગ, ગંભીર એલર્જી, ડિપ્રેશન અને નશાકારક અસરો ધરાવતી સંવેદનશીલ દવાઓનો સમાવેશ થાય છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા આ પ્રસ્તાવ પર હાલ મંત્રાલયે જાહેર જનતા અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો માંગ્યા છે.

 

૬૪ ટકા કેમિસ્ટ પ્રિસ્ક્રિપ્શન માંગતા જ નથી: ચોંકાવનારો સર્વે

 

સરકારનો આ કડક નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ‘લોકલ સર્કલ્સ’ નામના એક વ્યાપક સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દેશના ૩૨૭ જિલ્લાના ૧.૬ લાખથી વધુ લોકો પર કરાયેલા સર્વેમાં ૬૪ ટકા ગ્રાહકોએ સ્વીકાર્યું હતું કે તેમના સ્થાનિક મેડિકલ સ્ટોરવાળા ક્યારેય ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન માંગતા નથી. માત્ર ૧૫ ટકા કેમિસ્ટ જ નિયમ મુજબ કાગળ જોઈને દવા આપે છે. આ ઉપરાંત, માત્ર ૩૧ ટકા સ્ટોર્સ પર જ લાયક ફાર્માસિસ્ટ હાજર હોય છે. આ સ્થિતિ સામે કડક દેખરેખ રાખવા માટે જ સરકારે સીસીટીવી ફૂટેજ રાખવા અને બિલિંગ સિસ્ટમ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

(8:00 PM IST)